ગાંધીનગર જ્યાં ઉભુ થયુ છે તે સાત ગામોની ત્રીજી- ચોથી પેઢી જ નહી તેમના વડવાઓએ સ્થાપેલા દેવસ્થાનો, મંદિરો પણ સંકટમાં છે! નવુ નગર વસાવવા માટે સરકારે મંદિરોની જમીનો પણ છોડી નથી આથી, તેનો નિભાવ કરવો પણ ગ્રામજનો માટે આકરૂ થઈ પડયુ છે.
ગુજરાત સરકારે ૫૬.૭૫ ચોરસ કિલોમીટરના ગાંધીનગરને આકાર આપવા વર્ષ વર્ષ ૧૯૬૧-૬૨થી જમીન સંપાદન શરૂ કર્યુ હતુ. વર્ષ ૧૯૯૬ સુધીમાં ખેડૂતો માલિકીની ૧૦,૫૫૪ એકર અને સાબરતમી નદીની કોતરો, સરકારી ખરાબા સહિત ૧૪૦૦૦ એકર જમીન સંપાદનમાં સરકારે સાત ગામોના પૂર્વજોએ મંદિરોના નિભાવ માટે છોડેલી જમીનો, ગૌચર અને કૂતરાં, પંખીઓના ચણ માટે ગામ ખાતે આપેલી જમીનો પણ છોડી નથી. ૫૬ વર્ષના ઘટનાક્રમ પછી સાંપ્રત સમયમાં ઈન્દ્રોડા, બાસણ, આદિવાડા જેવા ગામડાઓના મુળ નિવાસી નાગરીકોની સાથે તેમના આસ્થાના પ્રતિક એવા ગ્રામદેવી-દેવતાઓના દેવસ્થાનો પણ સંકટમાં આવી પહોંચ્યા છે.
૩૦ સેક્ટરોમાં વિભાજીત, બાગ- બગીચાથી સુશોભિત, આલિશાન બંગલા, ભવ્ય મંદિરો, હાઈરાઈઝ બિલ્ડીંગ અને હાઈ સિક્યોરિટી લેયરથી સજ્જ આધુનિક ગાંધીનગરની હેઠળ સાત ગામોના નાગરીકો અને ઈશ્વર બેઉ હાલ તો નોંધારા જ છે. તેવી હૈયાવરાળ ઠાલવતા ઈન્દ્રોડાના ભરતસિંહ બિહોલાના કહે છે કે, અમારા ગામમાં ગ્રામદેવી ઈન્દ્રાણી માતાજીના મંદિરની માલિકીની ૩ એકર ૬ ગુંઠા અને રામજી મંદિરની ૧૦ એકર ૨૦ ગુંઠા જમીન પણ સરકારે સંપાદન કરી છે. પૂર્વજોએ આ મંદિરોના નિભાવ માટે જમીનો દાનમાં આપી હશે. અત્યારે ગામના પરીવારોને જ રહેવા મકાન નથી, સૌને સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ મંદિરોમાં પહેલા જેવી આવક પણ રહી નથી. તેની અસર નિભાવ, સંચાલન અને પૂજારીઓના પગાર પર થઈ છે.
ઈન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદીવાડા, ફતેપૂરા, પાલજ અને બાસણ એમ સાત ગામમાં જ્યાં માનવ વસાહત હતી, મુળનિવાસીઓ રહેતા હતા તે ગામતળને છોડીને બાકીની તમામ જમીનો સરકારે સંપાદન કરી લીધી હતી. ૫૬ વર્ષમાં આ સાત ગામોની વસ્તીમાં સરેરાશ ૪૦૦ ટકાનો વધારો થયો છે. ૬૦-૭૦ના દાયકામાં સરકારે જમીન સંપાદન કરી ત્યારે એક કુટુંબમાં જ ત્રણ ચાર ભાઈઓ હતા. તે વખતનો સંયુક્ત પરીવાર આજે પાંચ- સાત પરીવાર થઈ વિસ્તર્યો છે. હવે સમસ્યા એ છે કે તેમના રહેવા માટે અલગ છાપરૂ પણ નથી. વડિલો પાર્જીત જમીન ન હોવાથી ખેતી પણ છુટી ગઈ અને ગામમાં ગૌચર પણ ન રહ્યુ, પશુપાલન પણ ગયુ. આ સ્થિતિમાં જેઓ ખેડૂત કે આર્થિક સમૃધ્ધ નથી તેવા મુળનિવાસી પરીવારો પોતાના જ ગામમાં પૂર્વજોએ સરકારને સોંપેલી જમીનમાં છાપરાં બાંધી દિકરાંઓનો સંસાર શરૂ કરવો પડી રહ્યો છે. આ સમાજીક બદહાલી ગુજરાતની સરકાર જ્યાંથી વહિવટ કરે છે ત્યાં જ હોય તો રાજ્યનો હ્યુમન ઈન્ડેક્ષ કેવી રીતે ઊંચે જઈ શકે ?