ભાદરવી પૂર્ણિમાનો મહામેળો વિના વિઘ્ને સંપન્ન થયો છે. સાત દિવસના મેળામાં ૨૬,૭૨,૪૯૨ ભક્તોએ મા અંબાના મેળોના મેળામાં દર્શને આવ્યા હતા.આસ્થાના મહાકુંભ સમાન જગત જનની મા અંબાનો મહામેળો લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં સંપન્ન થતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો. બુધવારે ભાદરવી પૂનમના દિવસે વાહન વ્યવહાર ખુલી જતાં વાહનોમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ માના ધામમાં પહોંચ્યા હતા.
દર્શનાર્થીઓ પદયાત્રિઓ અને સંઘના ભક્તોથી અનેરો માહોલ સર્જાયો હતો. બુધવારે દેવસ્થાન આરાસુરી ટ્રસ્ટના અધિકારી અને સમગ્ર સ્ટાફે માના શિખર પર ધજા ચઢાવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા પોલીસ પરિવારે શિખર પર ધજા ચઢાવી હતી. આજે મેળાના પગલે યાત્રાધામ અંબાજીમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ૧૬ દેશોમાં ૪ લાખ કરતાં વધુ લોકોએ દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ પરથી મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.
૧૪ લાખથી વધુ લોકોએ મંદિર ટ્રસ્ટના ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી ભાદરવી પૂનમના મેળાની વિગતો એકત્રિત કરી હતી. અંબાજીમાં એસએમએસ સીસ્ટમ કાર્યરત કરવામાં આવતા ૮.૫ લાખથી વધુ યાત્રિકોને એસએમએસ દ્વારા માહિતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ૬૨,૧૬૦ લીટર દુધ અને ૨૫,૮૦૦ લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અંબાજી મંદિર ખાતે આગામી ૯ સપ્ટે. ના રોજ શનિવારે પ્રક્ષાલન વિધી યોજાશે. જુદાજુદા નદીઓમાં નીરથી મદિરનું ગર્ભગૃહ સહિતના મંદિરને ચોખ્ખુ ચણાક કરાશે. જેથી ૯ મીએ રાત્રે નવ વાગે આરતી સુધી ભક્તો માટે દર્શન બંધ કરાશે. ૧૦ સપ્ટે. રાબેતા મુજબ મંદિર ખુલ્લુ રહેશે.