રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની ૮ અને ગાંધીનગરની એક ટી.પી. સાથે કુલ ૧૧ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ પ૭ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિવિષયક વીજજોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પધ્ધતિ ફરજીયાત અપનાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિસ્તારમાં ઝડપી વિકાસને વધુ આયોજિત અને વેગવંતો બનાવવા અમદાવાદની ૮ ડ્રાફટ ટી.પી. સાથે કુલ ૧૧ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપી છે. આ મંજુર કરેલી આઠ ડ્રાફટ ટી.પી.ને કારણે ૧૦૦૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે. અંદાજિત રૂ. ૧૪પ૦ કરોડના કામો પણ આ ૮ ટી.પી. સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૯ મહિનામાં અમદાવાદ શહેરમાં જ ર૮થી વધુ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપતાં અંદાજે ૩ હજારથી પણ વધુ હેકટર્સ વિસ્તારમાં આયોજનને હવે અમલીકરણ કરી શકાશે. આ ટી.પી. સ્કીમમાં ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગોનું આયોજન કરાતા ૬૦ કિ.મી.ના રસ્તાઓનો લાભ શહેરને મળશે. આ આયોજનમાં ૧૮૦ હેકટર્સ જમીન રસ્તાઓ માટે, ૧૯પ હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક-સામાજીક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય -રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ૧૧ સ્કીમને અપાયેલી મંજુરીમાં ઔડાની ડ્રાફટ ટી.પી. સ્કીમ (૧) ૧૦/બી (કાણેટી) (ર) ૪૧૯ (અસલાલી) (૩) ૪૧પ (કઠવાડા) (૪) પ૧૭ (કણભા-કુંજાડ) (પ) ૯૧ (સનાથલ-તેલાવ) (૬) ૮ (ધાનજ-પલસાણા-સઇજ) (૭) ૧૦ (બોરીસણા-કલોલ-ઓલા-પ્રતાપપુરા) (૮) ૪૦૧/અ (બાકરોલ-બાદરાબાદ-કમોડ) અને (૯) પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં. ૮૪/બી (મકરબા) સહિત (૧૦) રાજકોટની ફાયનલ ટી.પી. સ્કીમ નં. ૧૭ (મુંજકા) તેમજ (૧૧) ગુડાની ટી.પી. સ્કીમ નં. ૮ (સરગાસણ)નો સમાવેશ થાય છે. દરમ્યાન ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભૂગર્ભ જળસ્તર નીચા જતાં પ૭ તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો. તેમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માંગતા ખેડૂતોને ફરજીયાત સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ અપનાવવાની રહેતી હતી.
પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીએ કૃષિવિષયક વીજજોડાણ મેળવતા ખેડૂતો માટે સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિ ફરજીયાત અપનાવવાની જોગવાઇ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કંઇક અંશે રાહત મળશે.