દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી કારોબારી નિરવ મોદીએ સીબીઆઈને ઇ-મેઇલ મારફતે પોતાનો જવાબ મોકલ્યો છે. નિરવ મોદીએ કહ્યું છે કે, ભારત પરત ફરવાની સ્થિતિમાં મોબ લિંચિંગનો શિકાર થવાની દહેશત રહેલી છે. નિરવે પોતાના ઇમેઇલમાં સીબીઆઈની પરેશાનીનો શિકાર થઇને આત્મહત્યા કરી લેનાર અધિકારી ડીજી બંસલનો પણ દાખલો રજૂ કર્યો છે. નિરવ મોદી, મેહુલ ચોક્સી અને તેની સાથે જોડાયેલા બેંકિંગ કૌભાંડને લઇને કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહી છે. આજે નિરવ મોદીના વકીલ વી અગ્રવાલે કહ્યં હતું કે, પીએમએલએ કોર્ટમાં નિરવ મોદીને ફરાર સાબિત કરવા માટે કાર્યવાહી ચલાવવામાં આવી હતી. વકીલના કહેવા મુજબ ઇડીએ માંગ કરી હતી કે, શંકાસ્પદ પરિસ્થિતિમાં ભારત છોડવાના પરિણામ સ્વરુપે નિરવ મોદીને ફરાર અપરાધી જાહેર કરવામાં આવે. વકીલે કહ્યું હતું કે, નિરવ મોદી તરફથી કોર્ટમાં એવી દલીલ આપવામાં આવી હતી કે, આ વ્યક્તિએ વેલિડ પાસપોર્ટ પ્અને વિઝા ઉપર ભારત છોડ્યું હતું. તે વખતે તેમના ખાતામાં એનપીએ ન હતા. નિરવના ઇમેઇલની માહિતી આપનાર વકીલે કહ્યું છે કે, સીબીઆઈને મોકલવામાં આવેલા ઇમેઇલમાં પોતાની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમના પુતળા સળગાવવામાં આવી શકે છે. ભારતમાં મોબ લિંચિંગનો ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમને કારણવગર બેંક ફ્રોડના પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યા છે. પત્રમાં સીબીઆઈની હેરાનગતિના કારણે બંસલની આત્મહત્યાનો મુદ્દો પણ રજૂ કર્યો છે. સીબીઆઈમાં અધિકારીઓના વિવાદ દરમિયાન બેંક કૌભાંડના આરોપી નિરવ મોદીનો મામલો ઉછળ્યો હતો. સીબીઆઈના ડીઆઈજી રેંકના અધિકારી મનિષ કુમાર સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની બદલીને લઇને આદેશને પડકાર ફેંક્યો હતો. સિંહાએ ચીફ જસ્ટિસને કહ્યું હતું કે, નિરવ મોદી અને સીબીઆઈના ખાસ નિર્દેશક રાકેશ અસ્થાનાની સામે તપાસને પાટા પરથી ઉતારવા માટે તેમની બદલી કરાઈ હતી.