જમીન કૌભાંડ : હુડા, વોરા સામે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ

1105

વર્ષ ૨૦૦૫માં એસોસિએટ્‌સ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે જમીન ફાળવવાના મામલામાં સીબીઆઈએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા, વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા અને એજેએલની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. હાલમાં જ હરિયાણાના રાજ્યપાલ નારાયણ આર્ય દ્વારા ચર્ચાસ્પદ એજેએલ મામલામાં સીબીઆઈને પૂર્વ મુખ્યમંત્રી હૂડાની સામે ખટલો ચલાવવા માટે મંજુરી આપી દીધી હતી.

પૂર્વ મુખ્યમંત્રી પર એસોસિએટ્‌સ જર્નલ્સ લિમિટેડને તેના અખબાર નેશનલ હેરાલ્ડ માટે પંચકુલામાં નિયમોની સામે જમીન ફાળવણી કરવાનો આક્ષેપ કર્યો હતો. વર્તમાન ભાજપ સરકારે વર્ષ ૨૦૧૬માં આ મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. સીબીઆઈની ચાર્જશીટ ઉપર પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકાર આ કામોમાં લાગેલી છે. પાંચ વર્ષ ખતમ થવા આવ્યા છે. સરકારની પાસે સત્તા રહેલી છે. તેમની પાસે હુડા અને અન્યો ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને સાબિત કરવા માટે પુરાવા નથી. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, અમે છેલ્લા કેટલાક દિવસથી જોઈ રહ્યા છીએ કે, કઇરીતે વિપક્ષના નેતાઓની સાથે એક પછી એક ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં વિરોધ પક્ષના નેતાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. જે સંસ્થાઓને સ્વતંત્ર રહેવાની જરૂર છે તે સંસ્થાઓનો પણ રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપે સત્તામાં આવતા પહેલા હૂડાના શાસનકાળને મુદ્દો બનાવીને કહ્યું હતું કે, સરકાર સત્તામાં આવશે તો જુદા જુદા મામલાઓમાં તપાસ કરાવશે જેમાં એજેએલનો મામલો પણ સામેલ છે. મામલા પર ભાજપ સરકારે વિજિલન્સ વિભાગને મે ૨૦૧૬માં તપાસ સોંપી હતી. મામલો હરિયાણા શહેરી વિકાસ સત્તા પાસે આગળ વધ્યો હતો. આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રી એટલા માટે ટાર્ગેટ બન્યા હતા કે હરિયાણા શહેરી વિકાસ સત્તાના અધ્યક્ષ તરીકે હૂડા પોતે હતા. એવો આક્ષેપ કરાયો હતો કે, મુખ્યમંત્રીએ ૨૮મી ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે હોદ્દાનો દુરુપયોગ કરીને એજેએલને પંચકુલામાં જમીનની ફાળવણી કરી દીધી હતી. આ જમીન એજેએલને ૩૦મી ઓગસ્ટ ૧૯૮૨માં ફાળવવામાં આવી હતી. શરત એ હતી કે, કંપની છ મહિનામાં જમીન પર નિર્માણ કરશે પરંતુ આ બાબત શક્ય બની ન હતી. ૩૦મી ઓક્ટોબર ૧૯૯૨ના દિવસે પંચકુલાના સંબંધિત અધિકારીઓએ જમીન રિઝ્‌યુમ કરી દીધી હતી. સાથે સાથે ૧૦ ટકાની રકમ કાપીને બાકી રકમ ૧૦મી નવેમ્બર ૧૯૯૫ના દિવસે પરત આપી દીધી હતી. આનો એજેએલ દ્વારા વિરોધ કરાયો હતો. એવો આક્ષેપ પણ છે કે, એજેએલને વર્ષ ૨૦૦૫માં હૂડાના મુખ્યમંત્રી પદના ગાળા દરમિયાન એ વખતે મોટી રાહત મળી હતી જ્યારે હરિયાણા શહેરી વિકાસ સત્તાના ચેરમેન તરીકે હુડાએ એજેએલને આ જમીન ફરીથી ફાળવી દેવાનો માર્ગ મોકળો કર્યો હતો. તે વખતે હૂડાના તત્કાલિન મુખ્ય વહીવટીકારે એવી દલીલ કરી હતી કે જુની કિંમત ઉપર જમીનને ફાળવણી કરવાની બાબત શક્ય નથી.

Previous articleઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ.બુશનું ૯૪ વર્ષે નિધન
Next articleજાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી