ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં ઉભા થયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપર ભાજપે જોરદાર આક્ષેપો કર્યા છે. ભાજપે હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપર પટેલ સમુદાયને અનામતના નામે ગેરમાર્ગે દોરવા અને તેમને મુરખ બનાવવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે હાર્દિક પટેલની જાહેરાત બાદ પ્રતિક્રિયા કરતા કહ્યું હતું કે, એક મૂરખે અરજી આપી હતી અને બીજા મુરખે અરજીને સ્વીકારી લીધી છે.
પટેલે હાર્દિકની પત્રકાર પરિષદનો જવાબ આપતા કહ્યું હતું કે, પાટીદાર સમાજની સામે હાર્દિકનો પર્દાફાશ થઇ ચુક્યો છે. તેમણે કહ્યું હતું કે, હાર્દિક હવે વોટ માટે કોંગ્રેસ પાર્ટી સાથે સોદાબાજી કરવામાં લાગેલો છે. પોતાના સ્વાર્થ માટે સમાજને વિભાજિત કરવાના કામ કરી રહ્યો છે. હાર્દિક પર જાતિવાદની રાજનીતિનો આક્ષેપ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે,
હાર્દિક રાજકીય ફાયદા માટે સમાજમાં જુદી જુદી જાતિઓને પારસ્પર લડાવીને આગળ વધવાના પ્રયાસમાં છે. નીતિન પટેલે પાટીદાર સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, હાર્દિક અને કોંગ્રેસના પ્રલોભનોથી લોકો સાવધાન રહે તે જરૂરી છે. નીતિન પટેલે કહ્યું હતું કે, બંધારણની દ્રષ્ટિએ ૫૦ ટકાથી વધુ અનામત આપવાની સ્થિતિ જ નથી તે બાબત હાર્દિક પણ જાણે છે. નીતિન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસની જ સ્ક્રીપ્ટ વાંચી રહ્યા છે. ૫૦ ટકાથી ઉપર અનામત કાયદાની સામે ટકી શકશે નહીં.
ઇન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, કોઇપણ સરકાર ૫૦ ટકાથી વધુ અનાતમ આપી શકે નહીં. રાજસ્થાનમાં પણ ૫૦ ટકાથી વધુ અનામત પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. નીતિન પટેલે કહ્યું હતું કે, હાર્દિક નાદાન છે. તેને આ બાબત સમજવી જોઇએ. કોંગ્રેસના વકીલ રાજસ્થાન પર આપવામાં આવેલા ચુકાદાની અવગણના કરી રહ્યા છે. પટેલોના અનામત ઉપર કોંગ્રેસે પોતાના મોંને છુપાવવા માટે હાર્દિકની તરફેણમાં બોલ ફેંકી દીધો છે. હાર્દિક કોંગ્રેસની તરફેણમાં બોલ ફેંકી રહ્યા છે.