ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના વર્તમાન જયોતિર્ધર અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પુજય હરિપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય પર્વની ભાવસભર અને ભવ્ય ઉજવણી તા. છઠ્ઠી જાન્યુઆરીએ ભાવનગરમાં આત્મીય યુવા મહાસંગમ તરીકે થવાની છે. તે ભવ્ય આયોજનના એક ભાગરૂપે ગોહિલવાડના તમામ ક્ષેત્રોના પ્રતીનિધિઓના આત્મીય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પુજય હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યું હતું કે જીવન તીર્થરૂપ બને તેમાં તીર્થયાત્રાની સાર્થકતા છે. તીર્થમાં દર્શન, ભજન, સત્સંગ કરીએ તેની અસર પરિવારમાં પ્રેમ અને આત્મીયતાના પ્રગટીકરણ દ્વારા દેખાવી જોઈએ. હઠ, માન અને ઈર્ષ્યાથી મુકત થવાય તો જીવન તીર્થરૂપ બને. વિચારોમાં પવિત્રતા અને વ્યવહારમાં આત્મીયતા પ્રગટે. જીવનને આ રીતે સાર્થક બનાવવા માટે ભગવાનના ધારક એવા સાચા સંત સાથેની મૈત્રી અનીવાર્ય છે.
આત્મીય યુવા મહાસંગમનો હેતુ સમજાવતા પુજય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે આત્મીય સમાજ દ્વારા કોઈપણ .ત્સવ ઉજવવાનું આયોજન થાય ત્યારે સ્વામીજીની ભાવના એક જ હોય કે ઉત્સવના કેન્દ્રમાં યુવાનો હોવા જોઈએ. કારણ કે સ્વામીજી માને છે કે, જો યુવાનો બચશે તો દેશ બચશે. સંસ્કૃતિના સંસ્કારો બચશે. ભારતને તેની આર્થિક સધ્ધરતા નહીં, પવિત્ર, પ્રમાણિક, આત્મીય અને વિવેકી યુવાનો પુનઃ પરમ વૈભવના શિખરે પહોંચાડશે.
દર વર્ષે ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં આ પ્રકારનો આત્મીય યુવા મહાસંગમ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવે છે. આ વર્ષે ભગવાન સ્વામિનારાયણના યુગકાર્યમાં અનોખું યોગદાન આપનાર ગોહિલવાડની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. ૬ જાન્યુઆરીએ ભાવનગર સ્થીત શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની સામેના પ્રાંગણમાં યોજાનાર આત્મીય યુવા મહાસંગમનો ગોહિલવાડનો ભાવિક સમુદાય લાભ લઈ શકે તે માટે આમંત્રણ આપવા સમાજના વિવિધ વર્ગોના પ્રતિનીધિઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં હરિધામ સોખડાના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામી, યોગીધામ- સમઢીયાળાના નિર્મળ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, ધર્મકીશોર સ્વામી, ગુરૂપ્રસાદ સ્વામી સહિતના સંતો અને રાજકીય આગેવાનો જીતુભાઈ વાઘાણી, રાજુભાઈ રાણા, ભારતીબેન શિયાળ, મનભા મોરી, સનતભાઈ મોદી સહિત આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.