રામ ભક્ત હનુમાનને દલિત તરીકે ગણાવનાર નિવેદન આપીને વિવાદમાં ઘેરાયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કહ્યું હતું કે, જે લોકોને ધર્મની માહિતી નથી તે લોકો આ પ્રકારની સંકુચિત વિચારધારાની વાત કરી રહ્યા છે. લોકો સંકુચિત વિચારધારામાં રહીને વાળની ખાળ ખેંચી રહ્યા છે.
પ્રયાગરાજ જિલ્લામાં આયોજિત કુંભાભિષેકમ મહોત્સવમાં ભાગ લેતા યોગીએ કહ્યું હતું કે, સનાતન પરંપરાને નહીં જાણનાર લોકો આ પ્રકારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. યોગીએ કહ્યું હતું કે, કોઇના પણ કામ પર આંગળી ઉઠાવવાની બાબત સરળ હોય છે. બીજા ઉપર આંગળી ઉઠાવવાના બદલે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી અદા કરે તો ધરતી દિવ્યલોકમાં ફેરવાઈ શકે છે. પોતાના સંબોધનમાં યોગીએ કહ્યું હતું કે, આ ખુબ જ ખુશીના પળ છે જ્યારે કુંભાભિષેકમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંચી કામકોઠી મઠના શંકરાચાર્ય પરંપરાના પ્રાચીન મઠ તરીકે છે.
દેશ અને દુનિયામાં સનાતન પરંપરાનું પ્રચાર અને પસાર કરવામાં સ્વામી વિજેન્દ્ર સરસ્વતીની ભૂમિકા ચાવીરુપ રહી છે. કાર્યક્રમ દરમિયાન યોગીએ કહ્યું હતું કે, કુંભ ભારતની સનાતન પરંપરા માનવ કલ્યાણના સૌથી મોટા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આયોજન તરીકે છે. સનાતન પરંપરા સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે.
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જે લોકો સનાતન ધર્મ અંગે માહિતી ધરાવતા નથી તે લોકો પ્રશ્નો ઉઠાવે છે. કુંભ મહાન પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. દેશમાં ચાર સ્થળો ઉપર કુંભનું પવિત્ર આયોજન કરવામાં આવે છે. પ્રયાગમાં કુંભ દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. દિવ્ય શક્તિઓને હાંસલ કરવાના એક અવસર તરીકે કુંભને ગણી શકાય છે. પ્રયાગરાજના દરેક નાગરિકને મહેમાનોનું સ્વાગત કરવા યોગીએ કહ્યું હતું.