કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે, કોંગ્રેસ, ટીઆરએસ અને ટીડીપી પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી તરીકે છે. તેલંગાણામાં સત્તા પરિવર્તન કરવાની જરૂર દેખાઈ રહી છે. ઉપ્પલમાં ચૂંટણી રેલીને સંબોધતા નીતિન ગડકરીએ દાવો કર્યો હતો કે, ભાજપ એકમાત્ર લોકશાહી પાર્ટી છે જ્યાં તેમના જેવા નાનકડા વર્કરો પણ પક્ષ પ્રમુખ બની શકે છે અને ચા વેચનાર વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે.
માર્ગ પરિવહન મંત્રીએ ટીડીપીના વડા અને આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની કોંગ્રેસ સાથે હાથ મિલાવવા બદલ ઝાટકણી કાઢી હતી. સાતમી ડિસેમ્બરના દિવસે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભૂતકાળમાં એકબીજાના દુશ્મનો પણ નજીક આવી રહ્યા છે. ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને ટીડીપી વચ્ચે ગઠબંધન લોકોના હિતની વિરુદ્ધ છે. તકવાદી રાજનીતિ રમવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની વચ્ચે કોઇપણ પ્રકારની વિચારધારા એક સાથે દેખાઈ રહી નથી. કોંગ્રેસ ગાંધી પરિવારની પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે.