દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોડાએ આજે જવાબદારી સંભાળી લીધી હતી. ૨૩માં ચીફ ઇલેક્શન કમિશનર તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ સુનિલ અરોડાએ રાજકીય પક્ષોના સહકારની માંગ કરી હતી અને દેશમાં ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવાની વાત કીર હતી. શનિવારના દિવસે નિવૃત્ત થયેલા ઓપી રાવતની જગ્યાએ અરોડાએ જવાબદારી સંભાળી લીધી છે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર સુનિલ અરોડાનું ઔપચારિકરીતે દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચમાં સૌથી વરિષ્ઠ અધિકારી સુનિલ અરોડાને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમ્યા હતા. ઓમપ્રકાશ રાવત પહેલી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિવૃત્ત થઇ ચુક્યા છે. સંસદીય ચૂંટણી ઉપરાંત તેમની અવધિ દરમિયાન જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્ર, અરુણાચલ અને સિક્કિમમાં ચૂંટણી યોજાનાર છે.