કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે દાવો કર્યો હતો કે, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મંદિરમાં પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી દે છે. ભાજપ માટે તેની સંસ્કૃતિના ભાગ તરીકે પૂજા અર્ચના છે. અલવર જિલ્લાના બંસુરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મંદિરો અને ગૌવંશ ભાજપ માટે કોઇ ચૂંટણી નાટક નથી. કોંગ્રેસના નેતાઓ જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મંદિરોમાં પૂજા અર્ચનાની શરૂઆત કરે છે. અગાઉ તેમને મંદિરોમાં ક્યારે પણ જોવામાં આવતા નથી. કોંગ્રેસ પાર્ટી માટે મંદિર અને ગૌવંશ ચૂંટણી મુદ્દા છે પરંતુ ભાજપ માટે આ કોઇ ચૂંટણી નાટક નથી તેના સંસ્કૃતિના ભાગરુપે છે. બંસોરમાં અગાઉ ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનના કારણે દેશ હજુ પણ ગરીબ દેશોની યાદીમાંથી બહાર આવી શક્યું નથી. પાર્ટીએ લોકોની સ્થિતિને સુધારવામાં ભૂમિકા ભજવી છે. રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, ભાજપે લોકોની આંખમાં ધૂળ નાંખવાની રાજનીતિ ક્યારે પણ રમી નથી.
અમે લોકો સાથેરહીને આગળ વધી રહ્યા છીએ. સિંહે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટીએ ૫૦ વર્ષમાં ૧૦૩ આઈટીઆઈ સ્થાપિત કર્યા છે જ્યારે વસુંધરા રાજે સરકારે પાંચ વર્ષના ગાળામાં ૯૫૮ નવા આઈટીઆઈ સ્થાપિત કર્યા છે. જયપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજનાથસિંહે કહ્યું હતું કે, જો આતંકવાદને કોઇ હાથ ધરવામાં સફળ છે તો તે ભાજપ સરકાર રહી છે. જો આતંકવાદને રોકવામાં પાકિસ્તાન સફળ રહેશે તો ભારત આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકાની મદદથી ત્રાસવાદનો ખાત્મો કરવા કાર્યવાહી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર કોઇપણ મુદ્દો નથી. જમ્મુ કાશ્મીર ભારતના એક અખંડ ભાગ તરીકે છે અને તે હંમેશા રહેશે. આતંકવાદનો મુદ્દો પાકિસ્તાન માટે ગંભીર દેખાઈ રહ્યો નથી. પાકિસ્તાન આતંકવાદના મુદ્દે વાતચીત કરી શકે છે. રાજકારણમાં અવિશ્વાસની રાજનીતિ રમવાનો રાજનાથસિંહે કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું હતું કે, તેમની કથની અને કરણીમાં વ્યાપક અંતર જોઈ શકાય છે. રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરના દિવસે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના તમામ નેતાઓએ અંતિમ તબક્કાની તાકાત લગાવી દીધી છે. બંને પાર્ટીઓ એકબીજાને પછાડવા અંતિમ આક્ષેપો કરી રહી છે. ટૂંકમાં જ ચૂંટણી પ્રચારનો અંત હવે આવનાર છે. રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં રાજસ્થાનમાં વધુ સક્રિય રહીને પ્રચાર કરે તેવી શક્યતા છે.’