મહારાષ્ટ્રની સરકારને શિરડી ટ્રસ્ટ કુલ ૫૦૦ કરોડ આપશે

746

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકાર હાલમાં રોકડ કટોકટીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં તેને એક મોટી મદદ મળી ગઈ છે. શિરડીના સાંઈબાબા મંદિર ટ્રસ્ટે સરકારને ૫૦૦ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ નિલવનડે સિંચાઈ યોજનાને પૂર્ણ કરવા માટે આપવામાં આવી રહી છે. અહેમદનગર જિલ્લાના તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને ઉકેલવા માટે આ પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના ચેરમેન ભાજપના નેતા સુરેશ હવારે છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ યોજના માટે લોન માંગવાને લઇને લીલીઝંડી આપી દીધી છે. આ પહેલા કોઇ સરકારી કોર્પોરેશનને આટલી જંગી લોન વ્યાજ વગર આપવામાં આવી નથી. લોનની વાપસી માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી નથી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે એક બેઠક યોજીને લોનના પ્રસ્તાવને પસાર કર્યો હતો. રકમ જારી કરવાના નિર્દેશ શનિવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. એક સિનિયર અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સાંઇબાબા મંદિર ટ્રસ્ટ અને ગોદાવરી-મરાઠવાડા સિંચાઈ વિકાસ કોર્પોરેશને આના માટે સહમતિપત્રો ઉપર હ્‌સ્તાક્ષર કરી દીધા છે.

મંદિરના ઇતિહાસમાં આ ખાસ કેસ છે. આ પ્રોજેક્ટ લાંબા સમયથી અટવાયેલો છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ૧૨૦૦ કરોડ સુધી પહોંચી છે જે પૈકી ટ્રસ્ટ ૫૦૦ કરોડ રૂપિયા આપનાર છે. જળસંશાધન વિભાગ દ્વારા આ વર્ષના બજેટમાં ૩૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી ચુકી છે. આગામી વર્ષે ૪૦૦ કરોડ રૂપિયા અપાશે. બે વર્ષમાં નહેરનું કામ પૂર્ણ કરાશે. ગયા વર્ષે પણ આ પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયા સરકારને ટ્રસ્ટે આપવાનો નિર્ણય કર્યો હતો. તે વખતે નક્કી કરવામાં આવેલા સમયની અંદર લોનની રકમ પરત આપવાની વાત થઇ હતી.

Previous article૨૦૨૨માં ભારતના યજમાન પદે ય્-૨૦ : પીએમ નરેન્દ્ર મોદી
Next articleઅયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરેઃ બાબા રામદેવ