નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, મારી આરોગ્ય સારવાર માટે તેમજ રાજ્યના આરોગ્ય તંત્રની કાર્યનિષ્ઠા પ્રત્યે કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. તેમણે મારી વ્યક્તિગત બાબતોની જાણકારી મેળવ્યા સિવાય જે ટીકા કરી છે, તે યોગ્ય નથી આવી નિમ્ન કક્ષાની ટીકાઓ કરવાનું કોંગ્રેસને શોભતું નથી. નીતિન પટેલે ઉમેર્યું હતું કે, મેં તાજેતરમાં ઘૂંટણની સારવારનું જે ઓપરેશન મુંબઇ ખાતે કરાવ્યું છે તે અલગ પ્રકારની યુની કમ્પાર્ટમેન્ટલ ટેક્નોલોજીથી થતું ઓપરેશન હોય મુંબઇ ખાતે સારવાર લીધી છે. આ ઓપરેશન માટે વિમાનમાં આવવા જવા સહિત ઓપરેશનનો કોઇપણ ખર્ચ રાજ્ય સરકાર પાસેથી લીધો નથી. મેં તથા મારા પરિવારના કોઇપણ સભ્યનો આરોગ્યલક્ષી સારવારનો ખર્ચ સરકારમાંથી ક્યારેય લીધો નથી. ભૂતકાળમાં મેં પ્રોસ્ટેટનું ઓપરેશન અમદાવાદની સ્ટર્લીન હોસ્પિટલમાં કરાવ્યું હતું તેનો ખર્ચ પણ મેં લીધો નથી. એટલે કોગ્રેસ પૂરતી માહિતી મેળવ્યા વીના કે જાણકારી સિવાય બેબુનિયાદ આક્ષેપો કરીને નિમ્નકક્ષાની હરકતો ન કરે. કોંગ્રેસે આક્ષેપ કરતા પહેલા મને પૂછીને મારી પાસેથી સારવારના ખર્ચ સહિતની માહિતી લીધી હોત તો આવી નાદાન હરકત ના કરત એવું હું માનું છું.