ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહર ખાન પ્રમાણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝમાં ફાસ્ટ બોલર માટે અનુભવ ભૂબ મહત્વનો રહેશે. ઝહીરે જણાવ્યાં મુજહ ઇશાંત શર્માનો ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ એટલો શાનદાર નથી, પરંતુ તે ટીમનો મહત્વનો બોલર રહેશે, કારણ કે તેની પાસે ત્યાંની સ્થિતિમાં રમવાનો અનુભવ છે. આ સિવાય ઝહીર ખાને પ્રથમ ટેસ્ટમાં ભારતે ક્યા બોલરની સાથે રમવું જોઈએ તે પણ જણાવ્યું છે.
ઝહીર ખાને કહ્યું, તમે હંમેશા આંકડાની સામે જોઈ શકો નહીં. ઇશાંત શર્માએ ઓસ્ટ્રેલિયામાં ૧૦ મેચ રમી છે અને તેની એવરેજ વધુ છે, પરંતુ તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે. તે બીજા બોલર સાથે વાત કરી શકે છે, જે ખૂબ મહત્વપૂર્ણ છે.
પ્રથમ ટેસ્ટમાં ઝહીર ખાન પ્રમાણે ભુવનેશ્વર કુમારને સ્થાન ન મળવું જોઈએ. આ સિવાય ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવમાંથી ત્રણ બોલરને રમાડવા જોઈએ. ફાસ્ટ બોલરોને લઈને ખાને કહ્યું, શમી આ સમયે સારી લયમાં છે અને તેણે ઈંગ્લેન્ડમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. બુમરાહ એક્સ ફેક્ટર હોય શકે છે અને મને આશા છે કે તે તમામ મેચ રમશે. ઉમેશ સ્ટ્રાઇક બોલર સાબિત થઈ શકે છે. તમારી પાસે આ ચાર બોલર છે, જેમાંથી ત્રણની પસંદગી કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારની સ્થિતિ થવાની છે, ત્યાં ભુવીને મદદ નહીં મળે. આ કારણે પ્રથમ ટેસ્ટમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.