ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાલમાં જોરદાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બનેલા છે. હવે યોગી તેલંગણામાં આક્રમક પ્રચાર કરી રહ્યા છે. યોગીએ પ્રચાર કરતા કહ્યુ છે કે જો તેલંગણામાં ભાજપની સરકાર બનશે તો હાલમાં ચર્ચામાં રહેલા ઔવેસી હૈદરાબાદ છોડીને ભાગી જશે. તેમણે કહ્યુ હતુ કે જે રીતે નિઝામ હૈદરાબાદ છોડીને ભાગી ગયા હતા તે રીતે ઔવેસી પણ ફરાર થઇ જશે. વિકરાબાદમાં પ્રચારમાં બોલતા યોગીએ આ મુજબની વાત કરી હતી. યોગીએ કહ્યુ હતુ કે જે લોકો આઇએસ સાથે સંબંધ વધારી દેવાની વાત કરે છે તે લોકો દેશ માટે ખતરારૂપ છે. દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ બની ગયા છે. કોંગ્રેસ, ટીડીપી, અને ટીઆરએસ પર પ્રહાર કરતા યોગીએ કહ્યુ હતુ કે આ પાર્ટીઓ નક્સલવાદીને સમર્થન આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ નક્સલવાદની કમર તોડી નાંખવામાં આવી છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોની સંખ્યા સતત ઘટી રહી છે. તેમના લોકો આત્મસમર્પણ કરી રહ્યા છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ બનાવવા માટેનુ કામ રોકવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાધી અને ટીઆરએસ મુસ્લિમોને પ્રભાવિત કરવાના પ્રયાસમાં છે.
યોગી હજુ લડાયક મુડમાં છે. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને ટીઆરએસ પર મુસ્લિમ લોકોને રાજી કરવા અને ધાર્મિક આધાર પર તેમના માટે યોજના બનાવવાનો આક્ષેપ કર્યો હતો. યોગીએ એમ પણ કહ્યું હતું કે નીતિ બનાવતી વેળા ભાજપ ક્યારેય પણ જાતિ, ધર્મ વચ્ચે ભેદભાવ કરતી નથી. વડાપ્રધાન મોદીના શાસનકાળમાં ભાજપે સબકા સાથ સબકા વિકાસ મિશન સાથે આગળ વધીને તમામના વિકાસને વેગ આપીને અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. એક પછી એક તકલીફો દુર થઈ રહી છે.