રાહુલ ગાંધીને પોતાના કેપ્ટન તરીકે ગણાવીને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને તેમના સમર્થકોને નારાજ કરનાર પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધૂએ પોતાની સફાઈમાં હવે કહ્યું છે કે અમરિન્દરસિંહ તેમના પિતા સમકક્ષ છે અને તેમની સાથે બેસીને વિવાદને ઉકેલશે. સિદ્ધૂના કેપ્ટનવાળા નિવેદન પર રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો. અરમિન્દરના નજીકના મંત્રીઓએ સિદ્ધૂ સામે કાર્યવાહી કરવા મોરચો ખોલી દીધો છે. મુખ્યમંત્રીની માફી માંગવા માટે પણ અમરિન્દરના નજીકના લોકોએ માંગ કરી છે. આજે કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી.
સિદ્ધૂએ કહ્યું હતું કે અમરિન્દરસિંહ તેમના પિતા સમકક્ષ છે. તેમને તેઓ ખૂબ સન્માન આપે છે. તેમને મળીને તમામ રજુઆતો કરશે. માફી માંગવાના પ્રશ્ન પર સિદ્ધૂએ ઈનકાર કર્યો હતો. સિદ્ધૂના પત્નીએ પણ કહ્યું હતું કે સિદ્ધૂ હંમેશા કહે છે કે કેપ્ટનસાબ તેમના પિતા સમાન છે. રાહુલ ગાંધીને પોતાના કેપ્ટન તરીકે ગણાવીને નવજોત સિદ્ધૂએ અમરિન્દર સરકારને નારાજ કરી દીધી છે. સિદ્ધૂ અમરિન્દરની માફી માંગવાના મૂડમાં પણ નથી. સિદ્ધૂના પત્નીએ પણ પોતાના પતિનો આજે બચાવ કર્યો હતો. જોકે પંજાબની રાજનીતિમાં સિદ્ધૂ સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.