ભારતીય નૌસેનાના વડા એડમિરલ સુનીલ લાંબાએ નેવી દિવસના એક દિવસ પહેલા જણાવ્યું કે ભારતીય નૌસેના પાકિસ્તાન નેવીથી દરેક રીતે આગળ છે, અને હિંદ મહાસાગરમાં આપણે ચીનની સરખામણીમાં મજબૂત છીએ. એડમિરલ સુનીલ લાંબાએ જણાવ્યું કે ભારતીય નૌસેના પાકિસ્તાન નૌસેનાથી દરેક અર્થમાં આગળ છે. ચીનની સરખામણીમાં પણ હિંદ મહાસાગરમાં આપણે સુપીરિયર છીએ. વર્ષ ૨૦૫૦ સુધીમાં આપણે નૌસેના પણ સુપર પાવર બની જશે. ૨૦૫૦ સુધીમાં નૌસેના પાસે ૨૦૦ શિપ અને ૫૦૦ એરક્રાફ્ટ હશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ’ભારતીય નૌસેના પોતાની દરિયાઈ વિસ્તારની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આપણી શક્તિ સતત વધી રહી છે. આ વર્ષે જ આઈએનએસ અરિહંતે પોતાનું પ્રથમ પેટ્રોલિંગ પૂર્ણ કર્યું છે અને ભારતના પરમાણુ સબમરીનની શક્તિ વધી છે. આ વર્ષે નૌસેનાએ ૨૦ દેશો સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો છે અને પોતાની શક્તિને વધારી છે.
આ સાથે તેમનું માનવું છે કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી અમે અમારી તૈયારીમાં મજબૂત કરી છે. રાડાર લગાવવામાં આવ્યા છે. ઇનપુટ મળતાની સાથે જે તેના આધારે ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે. અમે પહેલા કરતા વધુ મજબૂત બન્યા છીએ. નેવીમાં મહિલાઓના નૌસેનિક તરીકે સામેલ થવા પર એડમિરલ લાંબાએ જણાવ્યું કે મહિલાઓના નૌસેનામાં નૌસેનિક તરીકે સામેલ કરવાને લઇને અમે એક અભ્યાસ કરી રહ્યા છીએ. તેના પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે. નૌસેનામાં મહિલાઓ અને પુરુષો બરાબરીમાં છે. જૂની શિપમાં મહિલાઓની અલગ ડિઝાઇન નથી પરંતુ નવા શિપમાં મહિલાઓને તૈનાત કરવા માટે ગોઠવણ હશે. ઘણા સ્થળોએ નેવીમાં તેઓ કોમ્બેટ રોલમાં છે. મિસાઇલ ફાયર મહિલાઓ જ કરે છે.
ફિશિંગ બોટમાં ટ્રાંસ્પોડર લગાવવાનું કામ શરૂ થયું છે. હવે તમામ નવા યુદ્ધપોતમાં મહિલાઓ માટે વ્યવસ્થા કરાશે. નૌસેના આવનારા નવા વર્ષોમાં આધુનિકતા પર ભાર આપશે અને મેક ઇન ઇન્ડિયાનો ઝડપી અમલ કરાશે. ભારતમાં વધુ ૩૨ શિપ અને યુદ્ધપોત બની રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે અમે કુલભૂષણ જાધવના પરિવારના સંપર્કમાં છીએ અને જે પણ જરૂરી મદદ તેમના પરિવારને જોઇએ છે તે પૂરી પાડવામાં આવી રહી છે.