પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ૨૨ વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ૨૨ વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે. આ પોલીસનું જ પેપર ફૂટ્યું છે એવો એક જ બનાવ નથી. આ અગાઉ તલાટીની પરીક્ષા વખતે પણ પેપર ફૂટી ગયુ હતું અને પેપર ફોડનારાઓને ત્યાંથી નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું મશીન કહી શકાય છે.
બાપુએ વધુમાં જણાવ્યું કે પોલીસની ભરતી માટે પણ પેપર ફૂટી જવાની ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ટેટની પરીક્ષા વખતે પેપર ફૂટી ગયું હતું. ગ્રામ્ય સેવકની પરીક્ષામાં પણ પેપર ફૂટી ગયું હતું. એટલે આ પરીક્ષાના પેપરો ફોડવામાં ભાજપ સરકાર અને તેમના મળતિયાઓની માસ્ટરી છે. આખું તંત્ર જ ફૂટી ગયું છે. ગાંધીનગરમાં ભાજપ સરકારના ઉપરથી લઇને નીચે સુધી બધા ફૂટેલા અને કરપ્ટ લોકો છે. જેમણે આજે પેપર ફોડવાનું કામ કર્યું છે. તેમની સામે સરકાર કડકમાં કડક પગલા ભરે, તેની તપાસ કરે અને જે દોષિત હોય તેમની સામે પગલા ભરવા જોઇએ.
૮ લાખ કરતાં વધારે ઉમેદવારોનો અંદાજે ૧૦ હજારનો ખર્ચ તો થયો છે. ફેર પરીક્ષામાં એસ્ટીનું ભાડુ લો કે ના લો. પણ ૧૦ હજારનું વળતર તો સરકારે આપવું જ પડશે નહીંતર ભાજપ સરકાર ઉમેદવારોના લોક આંદોલનની તૈયારી રાખે. ગુજરાતમાં ૧૫ વર્ષ જૂઠ ચાલ્યું અને હવે આખા દેશમાં સાડા ચાર વર્ષથી જૂઠ ચાલે છે. ચાર સાડા ચાર વર્ષમાં દોઢ વર્ષતો દિલ્હીવાળાએ ચૂંટણીઓમાં વેડફ્યા છે. જેમને અર્થતંત્રના ‘અ’ની પણ ખબર નથી તેવા અડધી રાત્રે સંસદના બારણમાં ખોલવીને જીએસ્ટીનો અણઘડ અમલ કરાવે છે.