ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા ગઇકાલે રદ કર્યા બાદ રાજયભરના પોણા નવ લાખ જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો રઝળી પડયા હતા અને ભયંકર હાલાકી અને હતાશાનો ભોગ બન્યા હતા. આ સમગ્ર કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા હતા. બીજીબાજુ, પોલીસે આ ખૂબજ ચકચારભર્યા પ્રકરણમાં એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં ભાજપના બે અગ્રણી મનહર પટેલ અને મુકેશ ચૌધરીની સંડોવણી સામે આવતાં ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા. તો, આ કૌભાંડમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની મહિલા રેકટર રૂપલ શર્માનું નામ ખુલતાં પોલીસે આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક અંગે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ કર્યા હતા. આ પ્રકરણમાં સંડોવણી બહાર આવતાં પીએસઆઇ પી.વી.પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. બીજીબાજુ, ભાજપ દ્વારા બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમણે ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક દિલ્હીથી થયુ ંહોવાનો દાવો કર્યો હતો અને આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, યશપાલસિંહ અને દિલ્હીથી તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખ અમે કરી લીધી છે પરંતુ તેમની ધરપકડ બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડનું વિગતવાર વિવરણ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્માએ પોલીસ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્સઅપ મેસેજ કરી લોકરક્ષક દળના પેપરના આ જવાબો સાચા છે એમ પૂછયું હતું. જેથી બોરાણાએ મેસેજમાં જવાબ આપ્યો હતો, તેમને કંઇ ખબર નથી. એ પછી તેમણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ટેલિફોનિક માહિતી આપી હતી કે જવાબોની ચિટ્ઠી તેમને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસેથી મળી છે. જેમા રૂપલ શર્માએ બોરાણા વોટ્સઅપ કર્યો હતો અને વેરિફાઈ કરવાનું કહ્યું હતું. વિકાસ સહાયે તેમને તાત્કાલિક એ મેસેજ વોટ્સએપ કરવા કહ્યું હતું. બોરાણાએ ચેરમેન વિકાસ સહાયને વોટ્સઅપ કરતાં તેમણે જવાબો ચકાસતાં મોટાભાગના જવાબો પૂછાયેલા પેપરના જ હતા અને વાત ખબર પડી કે, લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઇ ગયુ છે, જેથી જેન્યુઇન અને ખરી મહેનત કરનારા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપલ શર્મા સાથે આ પ્રકરણમાં બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત ભાજપનો સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલ પણ સામેલ હતા અને તેઓને જયેશ નામના વ્યક્તિએ પરીક્ષાના દિવસે જ સવારે હસ્તલિખિત જવાબો આપ્યા હતા. જયેશને મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ મારફતે જવાબો પહોંચાડવામાં આવ્યા હતા. મનહર પટેલના કહેવા મુજબ, યશપાલસિંહ સાથે સોદો થયો હતો કે દરેક ઉમેદવારને રૂ.૫ લાખમાં પેપર વહેંચાશે. મનહર પટેલે યશપાલસિંહને એમ પણ કહ્યું હતું કે જો પેપર વહેલા મળી જાય તો વધુ ફાયદો થશે.
પરંતુ યશપાલસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે, તેની પાસે તા.૧લી ડિસેમ્બરની રાત્રે જ પેપર આવી જશે, તે પહેલાં નહી. તે મુજબ યશપાલસિંહ દિલ્હી ગયો હતો અને ત્યાંથી પેપર-જવાબો લઇ ફલાઇટ મારફતે સીધો વડોદરા આવ્યો હતો. હવે પોલીસે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સહિત દિલ્હીથી પેપર લીક કરનારા મુખ્ય કાવતરાખોરોને પકડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લોકરક્ષક દળના ઉમેદવારો વતી ઁર્સ્ંને પત્ર લખાયો
ગુજરાત રાજયમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાનો વિવાદ વધુ ને વધુ ગરમાતો જાય છે ત્યારે આ ઘટનાને પગલે આક્રોશિત લાખો ઉમેદવારો તરફથી સુજય ઠુંમર નામના પરીક્ષાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો છે અને ઉમેદવારોની વેદના ઠાલવી છે. પત્રમાં તેણે ૯ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટનામાં સંડોવાયેલા અને જવાબદાર નેતાઓ તથા અધિકારીઓને ખુરશી તાત્કાલિક છોડાવવાની ઉગ્ર માંગણી કરી છે. જેને લઇ હવે સમગ્ર રાજકારણ વધુ ગરમાયું છે. નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ને કરેલી ફરિયાદમાં સુજય ઠુંમરે લખ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષા રદ કરવાને કારણે ઉમેદવારને પડેલી મુશ્કેલી અને નુકસાનીની જવાબદારી નક્કી કરવા અને ફી પરત કરવા અંગે- સાહેબશ્રી, ગુજરાત સરકારના લોકરક્ષક બોર્ડ દ્વારા ૦૨-૧૨-૨૦૧૮ને રવિવારના રોજ યોજાયેલી લોકરક્ષક અને કોન્સ્ટેબલની ૯૭૧૩ જગ્યા માટે પરીક્ષા યોજવામાં આવી હતી.
આ પરીક્ષા આપવા માટે ૮ લાખ ૭૬ હજાર ઉમેદવારોએ પોતાના કેન્દ્ર પર સીટ નંબર પર સ્થાન મેળવી લીધું હતું, ત્યારે અચાનક જ સમાચાર મળ્યા કે પેપર લીક થઈ ગયું છે અને તમામ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા વિના જ જતું રહેવાનું છે. આ સમાચારથી રાજ્યના એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા ગયેલા લાખો ઉમેદવારોના ભાવિ સાથે એક જ મિનિટમાં ચેડા થઇ ગયા હતા. આ ઉમેદવારો પાછલા કેટલાક મહિનાથી રાત-દિવસ એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હતા, ત્યારે આ પ્રકારની ઘટનાથી લાખો ઉમેદવારોને આર્થિક અને માનસિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ નુકસાન પાછળ કોણ જવાબદાર છે તે સ્પષ્ટતા કરવામાં આવે. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા તમામ ઉમેદવારો ગરીબ પરિવારમાંથી આવે છે. જેઓ ટીકીટ માટેના પૈસા માંગીને પરીક્ષા આપવા આવ્યા હતા, ત્યારે તેમના ભવિષ્ય સાથે અચાનક જ ચેડા થઇ જાય તે કેટલા અંશે યોગ્ય છે. સરકાર દ્વારા અનેક તકેદારી રાખવા છતાં પેપર લીક થવાની ઘટના બને અને તેનો ભોગ ૯ લાખ જેટલા યુવાનોએ બનવું પડ્યું છે. જો એક પેપર ન સાચવી શકતા હોય તો જે તે વિભાગે અને જવાબદાર નેતા કે અધિકારીઓએ પોતાની ખુરશી છોડી દેવી જોઈએ એવી એક ઉમેદવાર તરીકે માંગ કરું છું અને ઉમેદવારોને નુકસાનીના વળતરમાં સરકારે લીધેલી ફી પરત કરવાની પણ માંગ છે. પીએમઓને લખાયેલા આ ફરિયાદરૂપી પત્રને લઇ હવે લોકરક્ષક દળના પેપર લીકનો મામલો અને તેને લઇને રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવી શકે છે.