વેસુ ભરથાણા ખાતે ભગવાન મહાવીર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કુલ અને મેગા યુથ ઈવેન્ટ ‘‘યુવા રંગ’’ કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી.કોહલી આજરોજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉમરા ખાતે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટની ‘‘દિવ્યાંગ ન્યુઝ ચેનલ’’નું ઉદ્દઘાટન રાજયપાલશ્રીએ કર્યું હતું.
મહાવીર ઈન્ટરનેશલ સ્કુલના સમારોહ પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણનુ મહત્વ અનેરૂ છે. શિક્ષણએ જીવનને દિશા અને સાત્વિક બનાવે છે. મનુષ્યમાં સદવૃત્તિને ઉજાગર કરવાનું કાર્ય શિક્ષણના માધ્યમથી થાય છે. શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને પરીક્ષા પાસ કરાવી દે તો તેમની જવાબદારી પૂર્ણ થતી નથી. પરંતુ તેઓને મદદરૂપ થઈને સામાજિક જવાબદારી અદા કરવાનુ કાર્ય પણ કરવું પડશે. જીવનમાં કદમ કદમ પર પસંદગીની તકો આવતી હોય છે ત્યારે સાચી દિશાને પસંદગી કરીને આગળ વધીએ તે જ સાચી શિક્ષા છે હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે આધ્યમિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર મહારાજે ઉજ્જવળ કારકિર્દીની સાથે તણાવમુકત જીવન માટે યુવાનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. દિવ્યાંગ ચેનલના ઉદ્દઘાટન બાદ રાજયપાલએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓ દિવ્યાંગો અને સમાજને સરળતાથી પહોચાડવામાં દિવ્યાંગ ચેનલ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. દિવ્યાંગોના કલ્યાણ માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ. કાર્ય કરતી હોય છે
જેમની પ્રવૃત્તિઓ અંગેની જાણકારી પણ આ ચેનલના માધ્યમથી દિવ્યાંગોને પહોચે તેવું સૂચન તેમણે કર્યું હતું. રમતગમત, શિક્ષણ કે અન્ય ક્ષેત્રોમાં દિવ્યાંગજનોએ હાંસલ કરેલી સિધ્ધિઓ ચેનલના માધ્યમથી પહોંચાડવામાં આવે તો અન્ય દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે તેવો પ્રેરક અનુરોધ તેમણે કર્યો હતો. દિવ્યાંગો માટે મળતી સરકારી સહાયમાં આવતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવાની સાથે દરેક પરિવારો એક દિવ્યાંગને દત્તક લઈને દિવ્યાંગો પ્રત્યે સંવેદના દાખવે તેવી હિમાયત રાજયપાલે કરી હતી.
મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓ ચેનલના માધ્યમથી છેવાડાના દિવ્યાંગો સુધી સરળતાથી પહોચી શકશે. દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓના નિવારવા માટે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અનેકવિધ પ્રયાસોની તેમણે વિગતો આપી હતી.