ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર આરોપીઓમાં ભાજપના જ બે નેતાઓના નામ સામે આવતાં લોકસભા અને જસદણની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર બહુ મોટા વિવાદમાં ફસાઇ છે. એટલે સુધી કે, લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડની ગુંજ છેક દિલ્હી સુધી સંભળાઇ છે અને કેન્દ્રમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા ચે. કેન્દ્ર સરકાર તરફથી આ સમગ્ર મામલે ડિટેઇલ્ડ રિપોર્ટ મંગાવાયો છે. બીજીબાજુ, આજે રાજયના મુખ્યમંત્રી વિજયરૂપાણીની મેરેજ એનિવર્સરી હોવા છતાં પેપર લીક કૌભાંડને લઇ તેમની લગ્નતિથિની ઉજવણી ફિક્કી પડી હતી કારણ કે, સીએમ આજે દિવસભર પેપરકાંડના મુદ્દે મિટિંગોમાં સતત વ્યસ્ત રહ્યાં હતા. આ જ પ્રમાણે પેપરલીક કાંડમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપના જે નેતા સામે આક્ષેપ કર્યો છે તે શંકર ચૌધરીનો પણ આજે બર્થ-ડે છે, તેમની મજાનો રંગ પણ જાણે ઉડયો હતો. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં આજે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી તેમાં ભાજપના જ બે નેતાઓના નામ ખુલતાં ભાજપ સરકાર પર માછલા ધોવાવાના શરૂ થઇ ગયા હતા, બીજીબાજુ, આજે યોગાનુયોગ સીએમ રૂપાણીની મેરેજ એનિવર્સરી હતી, છતા સીએમ સવારથી પેપરલીક કાંડના મામલે સતત ઓબઝર્વેશન અને બેઠકો યોજવામાં જ વ્યસ્ત રહ્યા હતા કારણ કે, વિવાદ બહુ મોટો અને ગંભીર છે. એટલે એમ કહી શકાય કે પેપર લીક કાંડના કારણે સીએમ રૂપાણીની મેરિજ એનિવર્સરીની ઉજવણી જાણે ફિક્કી પડી હતી. બીજીબાજુ, આ સમગ્ર પેપર લીક કૌભાંડમાં બનાસકાંઠાના ભાજપના નેતા શંકર ચૌધરી સામે તપાસ કરવાની માંગણી પાસના નેતા હાર્દિક પટેલે કરી છે. રાજ્યના ૯ લાખ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરનારી એલઆરડી પેપરલીક કાંડથી સમગ્ર રાજ્યમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે અને તેમાં પણ ભાજપના સ્થાનિક નેતાઓની સંડોવણી બહાર આવતા સરકાર અને સંગઠનના આગેવાનો એકદમ ચુપ થઈ ગયા છે. આ કાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીથી ફફડી ઉઠલી રૂપાણી સરકારે તાબડતોડ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવીને સમગ્ર કાંડની વિગતો મેળવવામાં આવી રહી છે. લોકસભા અને જસદણની પેટા ચૂંટણીના જંગ પહેલાં જ સરકારને આટલા મોટા કૌભાંડમાં બેકફુટ પર ધકેલાવું પોષાય તેમ નથી અને તેથી ગમે તે ભોગે ડેમેજ કંટ્રોલ કરવા ઉચ્ચ પોલીસ સત્તાધીશો સહિતના સરકારના ઉચ્ચ સત્તાવાળાઓને નિર્દેશો અપાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.