ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન લારીમાંથી ગરમ વસ્ત્રોની ચોરી કરી વેચવાની પેરવી કરી રહેલ મુસ્લિમ યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાંચ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, આજરોજ એલસીબીના પીઆઈ ડી.એમ. મિશ્રા, પીએસઆઈ એન.જી. જાડેજા, ગુલમહંમદભાઈ કોઠારીયા, કિરીટસિંહ ડોડીયા, ભીખુભાઈ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, ભરતભાઈ જોશી સહિતનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન દાણાપીઠ સાકરબજાર પાસે ઉભા હોય એ દરમિયાન એક શખ્સ પીયાગો રીક્ષા નં.જીજે૦૪એટી ૧૦૩ર સાથે પસાર થતા જેને અટકાવી ચાલકનું નામ-સરનામુ તથા રીક્ષાની તપાસ હાથ ધરેલ. જેમાં રીક્ષા ચાલકે પોતાનું નામ શાહરૂખ સલીમભાઈ લાલાણી ઉ.વ.ર૩ રહે.ભરતનગર રોડ, શાકમાર્કેટ પાસે, હુસૈનાબેનના મકાનમાં ભાડેવાળો હોવાનું જણાવેલ. આ શખ્સના કબ્જા તળે રહેલ રીક્ષામાંથી ગરમ જાકીટ નંગ-૧૦ મળી આવતા તેના બીલ વગેરે માંગતા શખ્સે સંતોષકારક જવાબ ન આપતા જેને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતા શાહરૂખે જણાવેલ કે, ગત તા.ર૧-૧૧ના રોજ સાંજના ૬-૩૦ આસપાસ શહેરના બિઝનેસ સેન્ટર પાસે આવેલ રોડ પર લારીમાં ગરમ વસ્ત્રો વેચતા વેપારીની નજર ચુકવી તેના મિત્ર સુનિલ ઉર્ફે ગીટી રહે.ભરતનગરવાળાએ ચોરી કરી રીક્ષામાં બેસી નાસી છુટેલ. સુનિલે ૧૦ નંગ જાકીટ પોતાને આપી બીજા જાકીટ પોતાની સાથે લઈ જતો રહેલ. આથી પોલીસે ગરમ જાકીટ કિ.રૂા.ર હજાર તથા રીક્ષા મળી કુલ રૂા.૩ર હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સુનિલ ઉર્ફે ગીટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ.