સૃષ્ટિના ઉદયથી આપણે જોઈએ તો સૃષ્ટિ અધિપતિના દિવસ દરમિયાન જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે અને તેની કાળરાત્રી થતા એ ક્ષય પામે છે અને જીવો સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે. આવી રાત્રી કે દિવસનો સમયગાળો આપણા પવિત્ર ગીતાગ્રંથ મુજબ એક હજાર યુગનો હોય છે. સૃષ્ટિ અધિપતિના દિવસ દરમ્યાન સંસારમાં જન્મ પામતા જીવો તેમના કર્મોને આધારે જુદી-જુદી યોનિમાં અવતાર પામે છે. આવો અવતાર પામનાર પ્રત્યેક જીવાત્મા જે કોઈ કર્મ પોતાની શક્તિ મુજબ બજાવી શકે છે તે મુજબ તેને યોનીમાં સ્થાન મળી શકે છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન કોઇ વાર આવા જીવાત્માને તેમણે બજાવેલ કર્મ મુજબ અવતાર ધારણ કરવા અંતરિક્ષના પોલાણમાં-અનુરૂપ માતા-પિતા જન્મ આપી શકે તેવા સામર્થ્યવાળા ન મળે ત્યાં સુધી–વિહાર કરતાં રહેવું પડે છે. વિહાર કરતા પ્રત્યેક જીવાત્મા અંતરિક્ષના પોલાણમાંથી જ અગાઉના અવતારમાં દાખવેલી ‘સંવેદના રિમોટકંટ્રોલ વડે તેના બનનાર માતા-પિતાના સર્જાયેલ સંપર્કના પગલે રચાનાર ગર્ભમાં પ્રવેશે છે અને તે રીતે પિંડનું બીજ નિર્મિત થાય છે. જે જીવાત્મા પાસે સતેજ સંવેદનારૂપી ઊર્જા ધરાવનાર રિમોટશક્તિ પ્રતિપાદિત થઈ હોય છે તેવા પ્રત્યેક જીવાત્મા ખૂબ ઝડપથી તેના કર્મને અનુરૂપ અવતાર ધારણ કરી શકે છે.
સૃષ્ટિ અધિપતિના દિવસ ઉદયથી જ આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. આમ જોવા જઈએ તો, આ આખી પ્રક્રિયા સંગીતખુરશીની રમત જેવી છે. અંતરિક્ષના પોલાણમાં પૃથ્વી કે અન્ય ગ્રહો પર જ્યાં પણ જીવસૃષ્ટિ હશે તે પ્રત્યેકનો સમાવેશ કરી લઈએ તો પણ અનેકગણી મોટી સંખ્યામાં જીવાત્માઓ અવતાર ધારણ કરવા વિહરતા રહે છે. જે જીવાત્મા પોતાના જીવનકાળ દરમિયાન સંવેદનાની ઉત્તમ ખેતી કરી કર્મરૂપી ફળ ઉત્પન્ન કરી શકે છે, તેવા પ્રત્યેક જીવાત્માને આવા પ્રતિક્ષાલયમાં અથડાવું પડતું નથી. માટે પ્રત્યેક જીવે તેના જીવનકાળ દરમિયાન સંવેદનારૂપી સંપત્તિ ભેગી કરવા કામે લાગી જવું જોઈએ. પરંતુ સંસારમાં તેનાથી ઊલટું ચાલે છે. જેને બુદ્ધિરૂપી વિશિષ્ટ શક્તિ અર્પી માનવ તરીકે સંસારમાં મોકલવામાં આવ્યા છે તેવા લોકો પણ આવી સંપત્તિ એકત્રિત કરવામાં જોઈએ તેવા જાગૃત નથી. તેઓ લક્ષ્મીરૂપી કે મિલકતરૂપી સંપત્તિ માટે મથતા રહે છે. આવી સંપત્તિ પેલા અંતરિક્ષ પોલાણમાં વિહરતા જીવાત્માને ખપ લાગતી નથી. સંવેદના એક એવી શક્તિ છે જેના વડે અન્યના હૃદય સુધી પહોંચી શકાય છે. જે રીતે એક્સ-રે મશીન ગમે તેટલા આવરણ હોય છતાં નિશ્ચિત અવયવ કે શરીરના ભાગનો ફોટો ખેંચી શકે છે, તેવી જ રીતે સંવેદનારૂપી શક્તિ અન્યના હૃદયની વેદનાની પ્રતિકૃતિ પામી શકે છે. પોતે ખેંચેલી આવી તસવીર વડે તે વાસ્તવિક માનવતાને પામે છે અને માટે જ, પ્રત્યેક માનવે સંવેદનાની ખેતી કરતા રહેવું જોઈએ. સંવેદનાની ભૂમિ પર થતી આવી ખેતીમાં હંમેશા ફળદ્રુપતા વધતી રહે તેવા તત્ત્વો આવી ભૂમિમાં ઉમેરતા રહી પ્રત્યેક વ્યક્તિએ જીવનપર્યંત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વર્ષો પૂર્વે સુખપુર નામના રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે પોતાની કઠોરતા માટે ભારે જાણીતો બન્યો હતો. તેમણે અનેક રજવાડાં પર ચડાઈ કરી પોતાનો રાજ્ય વિસ્તાર ખૂબ વધાર્યો હતો. પરંતુ તે કદી પ્રજાના કલ્યાણ માટે કે પ્રજાના દુઃખ માટે વિચારતો નહીં. તેનાથી ઊલટું પ્રજા પર મોટા કર નાખી, મોટું રાજસ્વ મેળવી લેવા રચ્યો પચ્યો રહેતો તેમજ અવનવા કાયદાઓ ઘડી અનેક પ્રકારના જોરજુલમો કરી પ્રજાને લૂંટતો. પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ સવારના ઊઠી એટલી જ પ્રાર્થના કરે કેઃ ’હે ઈશ્વર ! આ ત્રાસમાંથી છોડાવ.’ પરંતુ ઈશ્વર જાણે એકનો બે ન થતો હોય તેમ રાજા દિન-પ્રતિદિન પોતાની નવી યોજનાઓમાં સફળ થતો હોય તેવું પ્રજાને લાગ્યા કરતું. જેના કારણે પ્રજા ઉદાસીન અને નીરાશ રહેતી. દરમિયાન એક રજવાડા સાથે સુખપુરરાજને યુદ્ધ કરવાનું આવે છે. યુદ્ધમાં સુખપુરનો વિજય થાય છે. તે રાજ્ય તેમના તાબા નીચે આવે છે. પરાજિત રાજાની યુવાન રાજકુંવરી સુખપુરના રાજાના કબજામાં આવે છે. રાજા તેની સાથે લગ્ન કરે છે. અગાઉની રાણીઓ માટે તે ઈર્ષાનું કારણ બની જાય છે. છળકપટ કરી રાણીઓ રાજાને દૂધમાં ઝેર ભેળવી પાય દે છે. રાજાનું દુઃખદ મૃત્યુ નીપજે છે અને હવે રાજકુમારનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજકુંવર ગાદીએ બેસતાં જ ફરમાન બહાર પાડે છેઃ ‘આજ સુધીમાં જે કોઈ રાજાઓ પરાજિત થયા હોય તે તમામ રાજાઓને પોતાના રાજ્યો પરત સોંપવામાં આવે એટલું જ નહીં જે પ્રજા પાસેથી ખોટા કરવેરા વસૂલ કરવામાં આવ્યા હોય તેવી સઘળી રકમ પ્રજાને તાબડતોબ પરત આપવામાં આવે.’ નવા વરાયેલા આ રાજાના ફરમાનથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી જાય છે. આજ સુધી જે પ્રજા દુઃખી હતી, હેરાન પરેશાન થતી હતી તે જ પ્રજા માટે આજે જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો. નવો રાજા પ્રજાવત્સલ હોય તેમણે પ્રજા કલ્યાણનાં અનેક નવા કામો આરંભ્યા. ગામડે ગામડે શાળા, મોટા નગરોમાં કૉલેજ, દવાખાના, ધર્મશાળાઓ, ગૌશાળા, આશ્રયઘર જેવા અનેક કામોનો સમાવેશ થાય છે. બીજી તરફ મૃત્યુ પામનાર રાજાનો જીવાત્મા અંતરિક્ષના પોલાણમાં અવતાર ધારણ કરવા ચોતરફ વિહરતો રહે છે. તેની પાસે સંવેદનારૂપી ઊર્જા સંચિત ન હોવાના કારણે તે સંસાર પરના જીવો સાથે જોડાણ સાધી શકતો નથી. તેની પાસે ચુંબકીય સંવેદનાની રિમોટશક્તિનો અભાવ હોવાથી તે શી રીતે મૃત્યુલોકમાં અવતરી શકે ? આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં આવેલો ટીવી સેટ રિમોટમાં સેલ ખતમ થઈ જાય તો તે શરૂ કરી શકતા નથી કે ચાલુ ટીવી સેટને બંધ કરી શકતા નથી. કારણકે રિમોટ છે પરંતુ તેને ચલાવી શકે તેવી સેલરૂપી ઊર્જા તેની પાસે નથી. આજ રીતે અંતરિક્ષના પોલાણમાં જીવાત્માને મૃત્યુ પછી કદાચ સ્થાન મળી જાય. જે રીતે પેલા રિમોટને આપણા ઘરમાં સ્થાન મળે છે. પરંતુ જ્યાં સુધી તેમાં સેલ નાખવામાં આવતા નથી ત્યાં સુધી તે કાર્ય કરવા સમર્થ બનતું નથી. આવી જ સ્થિતિ પ્રત્યેક જીવની સંવેદનાની ખેતીના અભાવે થાય છે.
જ્યારે બીજી તરફ પિતાના મૃત્યુ પછી જેમણે સત્તાના સૂત્રો સંભાળ્યા તે યુવાન રાજાને સર્વત્ર સુખ, સંવેદનાની સંપત્તિના કારણે જીવનકાળ દરમિયાન મળે છે અને તેના મૃત્યુ પછી પણ તેમની સંવેદનાની ખેતીના કારણે ઉચ્ચ કુળમાં, સુખી પરિવારમાં જન્મ લેવાની ઈશ્વર તક પણ તેને આપે છે. આ બધું સંવેદનાની ખેતીના કારણે શક્ય બને છે.
સંવેદનારૂપી ઊર્જા જીવાત્મા પોતાને મળેલ માનવ અવતાર દરમિયાન સ્વબુદ્ધિના આધારે મહત્તમ મેળવી શકે છે. આ એક એવી ઊર્જા છે કે જેની શક્તિ વડે જીવાત્મા ઈશ્વર સાથે પણ તાદાત્મ્ય સાધી સ્વકલ્યાણના માર્ગે જઈ શકે છે. જીવાત્મા શાસ્ત્રોના મત પ્રમાણે ૮૪ લાખ યોનીમાં ભટકતો હોય છે. આ આખી પ્રક્રિયા સૃષ્ટિ અધિપતિના દિવસ દરમિયાન ઘટે છે. જીવાત્માની આ આવન-જાવનની યાત્રાનો સમય જુદી-જુદી યોનીના અવતારમાં ક્યાંક અલ્પ, ક્યાંક મધ્યમ તો કોઈ વાર સમયગાળો લાંબો પણ હોય છે. જેને આપણા સમયમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સેકન્ડથી લઇ હજારો વર્ષ સુધીનો સમય નિશ્ચિત થયેલો યુગ યુગન્તારના ઈતિહાસમાં ડોકિયું કરતા જે તે અવતાર માટે જાણવા મળે છે. આ સમયગાળો જુદા જુદા ચાર યુગ પ્રમાણે અલગ અલગ પણ હોઈ શકે છે. આ વાતને ટૂંકમાં સમજીએ તો એક જ વ્યક્તિના શરીરમાં અનેક બેક્ટેરિયા, જીવાણુઓ, પરજીવો જેવા નરી આંખે જોઈ ન શકાય તેવા પોતાની જીવન અવસ્થા માણીને અંતરિક્ષમાં પરત ફરે છે. જોકે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અનેક અથડામણના અંતે જીવાત્મા અથડાઈ કુટાઈ પવિત્ર માનવ અવતાર પામે છે. માતાના ઉદર સમયે તેની સઘળી યાત્રાનું સ્મરણ હોય છે. પરંતુ જેવો તે જન્મ લઇ સંસારમાં પ્રવેશે છે તેવું તેને વિસ્મરણ થઈ જાય છે અને ધીમે ધીમે તે સંસારની ગતિવિધિઓ સાથે તાલ મેળવવા લાગે છે. બાલ્યાવસ્થામાં બુદ્ધિ સુષુપ્ત અવસ્થામાં હોય છે પરંતુ પુખ્ત અવસ્થાએ બુદ્ધિ સારુ-ખોટું, થોડું-ઘણુંના ભેદ સારી રીતે ઉકેલી શકે છે. સ્વાર્થ અને પરોપકાર જેવા ઉમદા ગુણો કેળવવા બુદ્ધિ સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે રીતે ચશ્માંના કાચ પર ધૂળના રજકણો લાગે તો કાચ અપારદર્શક બને છે તેમ બુદ્ધિ પર લાગેલા સ્વાર્થના પડળના કારણે બુદ્ધિ સ્પષ્ટ નિર્ણયો લેવામાં નિષ્ફળ નીવડે છે અને તે કોઈ વાર નર્યા સ્વાર્થના ભોગથી ગેરમાર્ગે દોરાય છે.
ઉપરોક્ત સમસ્યાઓમાંથી બચવા જીવાત્માને મળેલા માનવદેહની જ્ઞાનેન્દ્રિયોને જીતીને આત્માના સ્વકલ્યાણ માટે બુદ્ધિ કોઈ પણ પ્રકારના સ્વાર્થના પડળથી અપારદર્શક ન બને તેની ખાસ કાળજી રાખી બુદ્ધિની તેજસ્વિતાનો આત્માના ઉદય માટે અસરકારક ઉપયોગ થાય તે માટે જાગૃત રહેવું જોઈએ.
આપણે આવું કરી શકતા નથી, કારણ કે ગુજરાતી કહેવત મુજબ, ‘ઊંઘતો માણસ જગાડવો સરળ છે’. ગમે તેવી નિંદ્રામાં ઊંઘતા માણસને આપણે જગાડી તેને કોઈ પણ કામ સોંપી શકીએ છીએ પરંતુ નર્યો સ્વાર્થ સાધવા ઊંઘવાનો ડોળ કરતા કોઈ પણ વ્યક્તિને આપણે કદાપિ જગાડી શકતા નથી. આ વ્યક્તિના કાનમાં ઢોલ વગાડીએ તો પણ આપણને ઇચ્છિત પરિણામ મળતું નથી કારણ કે જે ઊંઘતો નથી, તેને શી રીતે જગાડી શકાય? માણસનું પણ આવું જ છે.
માણસ બધું જ સમજે છે. તેનું કલ્યાણ ક્યાં છે અને કઈ બાબતમાં તેનું અહિત થવાની સંભાવના છે- તે જાણતો હોવા છતાં ક્ષણિક લાભના માટે તે ગમે તેવું જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. આ માટે તે પોતાના ચારિત્રને પણ હોડમાં મૂકતા ખચકાતો નથી, કારણ કે તે ક્ષણિક લાભને જ લક્ષમાં લે છે. મળેલો માનવ અવતાર એળે જઈ રહ્યો છે – તે જોઈ શકતો નથી અથવા સમજી શકતો નથી. તેને ખબર નથી કે અંતરિક્ષમાં વિહરતા આત્માને સંવેદનાની ખેતી ઊર્જા આપે છે.