મોખરાની કલાકાર જોડી વરુણ ધવન અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રેમો ડિસોઝાની આગામી ફિલ્મ ૨૦૧૯ના એપ્રિલમાં ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી. હાલ આ ફિલ્મને ડાન્સ ડાન્સ ટાઇટલ અપાયું છે અને રેમોની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ રેમોની બે સુપરહિટ ફિલ્મો એબીસીડી (એનીબડી કેન ડાન્સ) અને એબીસીડી ટુના અનુસંધાનમાં આ ફિલ્મ બની રહી છે. તાજેતરમાં કૉફી વીથ કરણમાં આ બંને કલાકારો હાજર થયાં ત્યારે બંને વચ્ચેની કેમિસ્ટ્રીની જાણકાર વર્તુળોએ નોંધ લીધી હતી અને રેમોએ આ બંનેને મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા એની પ્રશંસા પણ થઇ હતી. મૂળ આ ફિલ્મ ડિસેંબરમાં જ ફ્લોર પર જવાની હતી પરંતુ હજુ કેટલીક પૂર્વતૈયારી ચાલી રહી હોવાથી ડિસેંબરને બદલે ર૦૧૯ના એપ્રિલની પસંદગી કરાઇ હતી. રેમોની નિકટનાં સૂત્રો કહે છે કે હજુ રેમો બીજી એક અભિનેત્રી પણ આ ફિલ્મમાં લેશે. એટલે એક પ્રકારનો ટ્રાયન્ગલ (ત્રિકોણ ) રચાય એવી શક્યતાને નકારી કઢાતી નથી.