દિલ્હીમાં જંતરમંતર પર અનેક રાજ્યોમાંથી ઉતરી આવેલા રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની માંગણીઓને લઈને કરવામાં આવેલા દેખાવો અને હુંકાર રેલી પછી સરકારે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવશે તેવું હાલ આશ્વાસન આપ્યું છે.
સરકારે કુણું વલણ અપનાવતા, કેબિનેટ સચિવ દ્વારા સોમવારે મોડી સાંજે તેમને વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં તેમની માંગણી ખાસ કરીને જૂની પેન્શન સ્કીમનો બધો લાભ આપવાની વાતને કેબિનેટની આગામી બેઠકમાં મુકવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું હતું.
કર્મચારીઓએ આ બેઠકને સફળ ગણાવી હતી.દેશભરના કર્મચારી સંગઠનોના સંયુક્ત પ્લેટફોર્મ એવું ફેડરેશન કે જે પબ્લિક સર્વિસ ઇમ્પ્લાઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે તેના અધ્યક્ષ વીપી મિશ્રાએ સકારાત્મક પ્રતિભાવ આપતા બેઠકને ફળદાયી ગણાવી હતી. વી પી મિશ્રાએ કહ્યું હતું કે, “સરકારના કેબિનેટ સચિવ સાથે બેઠક ખૂબ સકારાત્મક રહી. તેમણે જૂની પેંશન સ્કીમની કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરતાં તેનાથી સંબંધિત પ્રસ્તાવ આગામી બેઠકમાં લઇ જવાની વાત કરી.
તેમણે આશ્વાસન આપ્યું કે ભલે સ્કીમનું નામ ન બદલવામાં આવે પરંતુ જૂની પેંશન સ્કીમના બધાં જ લાભ કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ તેમણે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા કર્મચારીઓને લઇને પોલીસી બનાવવાની વાત કરી. જેથી કર્મચારીઓનું શોષણ ન થાય.”