બુલંદશહેર હિંસા : જુદી જુદી જગ્યા પર વ્યાપક દરોડા જારી

627

ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસાના એક દિવસ બાદ આજે પણ સ્થિતી વિસ્ફોટક રહી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે.

પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી બે લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૮૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પોલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાના ગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી.

યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યો હતો. ત્યારબાદ તમામ કામમાં લાગી ગયો હતો. યોગેશ સામે અગાઉ પણ તપાસ કરવામાં આવી ચુકી છે. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ છે જ્યારે અન્ય ૬૦ લોકો વણઓળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા. વહીવટીતંત્ર દ્વારા હિંસામાં તપાસ કરવા માટે ખાસ તપાસ ટીમની રચના કરી છે.ગઇકાલે બુલન્દશહેરના સ્યાના ગામમાં હિંસા ભડકી ઉઠી હતી. સ્થાનિક દેખાવકારોની સાથે સાથે જમણેરી પાંખના લોકોએ ગૌહત્યા સામે હિંસા ફેલાવીને વ્યાપક તોડફોડ કરી હતી. બુલંદશહેર શહેરમાં પાટનગરથી ૧૫૦ કિલોમીટરના અંતરે ચિંગરાવતી પોલીસ આઉટ પોસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હિંસા બાદ  અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા મોડેથી ગોઠવી દેવામાં આવી હતી. સ્યાના એક ગામના ખેતમાં ગૌવંશ મળી આવ્યા બાદ લોકોએ હિંસા ફેલાવી હતી. પોલીસ અને ભીડ આમને સામને આવી ગઈ હતી. પોલીસે ગૌહત્યાની આશંકામાં દેખાવ કરી રહેલા હજારો લોકોની ભીડને અલગ કરવા માટે ગોળીબાર કર્યો હતો. ગેરકાયદે કતલખાનાની સામે દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણનો દોર શરૂ થયો હતો. કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ગાળા દરમિયાન ગામવાળાઓ સાથે સંઘર્ષમાં ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. ટોળામાંથી કોઈ વ્યક્તિએ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહને ઈજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

હિંસા કેમ થઇ અને સુબોધ કુમારને એકલા છોડીને બીજા કેમ ભાગી ગયા તેમાં પણ તપાસ કરવામાં આવનાર છે. સ્યાના હિંસામાં શહીદ થયેલા સુબોધના પરિવારના સભ્યો આઘાતમાં છે. તેમના મૃતદેહને તેમના વતન ખાતે લઇ જવામાં આવ્યા છે. બીજી બાજુ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંસા મામલે દુખની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે સુબોધ કુમારના પત્નિને ૪૦ લાખ અને તેમના માતાપિતાને ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાયતાની પણ જાહેરાત કરી છે. પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત પણ કરી છે.

Previous articleકોંગ્રેસે ગંભીરતા દર્શાવી હોત તો કરતારપુર દેશમાં જ હોત
Next articleપૂર્વ રાષ્ટ્રપતિને વર્તમાન રાષ્ટ્રપતિની પુષ્પાંજલી