કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો ફટકો પડ્યો છે. કારણ કે, સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં ૨૦૧૧-૧૨ માટે ટોચના કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ટેક્સ મૂલ્યાંકન સંબંધિત કેસને ફરી ખોલવા માટે ઇન્કમટેક્સ વિભાગને મંજુરી આપી દીધી છે. આની સાથે જ બંને નેતાઓની મુશ્કેલી આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જો કે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે તથા તેમના માતા સોનિયા ગાંધી સામે કોર્ટ સમક્ષ આ મામલો પેન્ડિંગ રહે ત્યાં સુધી કાર્યવાહીમાં તેના આદેશને અમલી બનાવવાથી દૂર રહેવા આઈટી વિભાગને આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની મેરિટ ઉપર કોઇપણ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો નથી. ટેક્સનો મામલો નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત છે જેમાં કોંગ્રેસના નેતાઓ ફોજદારી કાર્યવાહીનો સામન કરી રહ્યા છે. જસ્ટિસ એકે સિકરીના નેતૃત્વમાં બેંચે આગામી વર્ષે ૮મી જાન્યુઆરીના દિવસે વધુ સુનાવણી માટે આ મામલો મોકૂફ કરી દીધો છે.
આઈટી વિભાગ તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કોર્ટે સોનિયા ગાંધી અને અન્યો સામે મુલ્યાંકન આદેશને અમલી કરવાથી દૂર રહેવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, કોર્ટે આ મામલા પર સુનાવણી ચલાવવી જોઇએ અને યોગ્ય આદેશ આપવો જોઇએ.
જો કે, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બનેલી બેંચે કહ્યું હતું કે, સમયના કારણે આ મામલો મંગળવારના દિવસે હાથ ધરી શકાયો નથી. બંને પાર્ટીઓને આ વચગાળાનો આદેશ હાલમાં પાળવવાનો રહેશે. એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, આ કેસના મેરિટમાં વિસ્તૃત સુનાવણીની જરૂરિયાત દેખાઈ રહી છે. ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે આપવામાં આવેલા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંક્યો હતો. આ ચુકાદામાં ૨૦૧૧-૧૨ માટે તેમના ટેક્સ મૂલ્યાંકનના મામલાને ફરી ખોલવા સામે તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ૧૩મી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચોથી ડિસેમ્બરના દિવસે આ મામલામાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે જેના આધાર પર વ્યાપક સુનાવણીની જરૂર રહેશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કાર ફર્નાન્ડિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિધિવત નોટિસ જારી કરવામાં આવી નથી. તેમના વકીલો દ્વારા આ કેસનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટના ચુકાદાને આ લોકોએ પડકાર ફેંક્યો હતો. હાઈકોર્ટે તેમના રેકોર્ડમાં ચકાસણી કરવા વિભાગને તક આપી હતી. છેલ્લી સુનાવણી વેળા તેમના વકીલોએ કહ્યું હતુ ંકે, વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં અપાયેલા કારણો યોગ્ય છે કે કેમ તેને લઇને પ્રશ્નો થાય છે. કોંગ્રેસના નેતાઓ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને અરવિંદ દાતાર દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ સામે ઇન્કમટેક્સની તપાસ પ્રાઇવેટ ક્રિમિનલ ફરિયાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવ્યા બાદ હાથ ધરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી હતી. આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હાલમાં જામીન ઉપર છે. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના દિવસે ટ્રાયલ કોર્ટ દ્વારા આ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા.