લોકરક્ષક દળની પરીક્ષાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ થંભ્યો નથી. ત્યાં ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવાયેલી બી.એ.સેમ ૧ની ફ્રેન્ચ વિષયની પરીક્ષાના ફરી એકવાર છબરડો બહાર આવ્યો છે. જેને લઈને એનએસયુઆઈ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને ફરી એકવાર ફ્રેન્ચ વિષયની પરીક્ષા યોજવા માટે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને આવેદન પત્ર આપ્યું હતું.
વાત કરીએ ગુજરાત યુનિવર્સીટીના પેપરમાં છબરડાની તો છેલ્લા ૩ દિવસથી આ સિલસિલો યથાવત છે. આ વખતે છબરડાના ભોગ બન્યા છે બી.એ. સેમ ૧ના વિદ્યાર્થીઓ કે જેઓ ફ્રેન્ચ ભાષાનું પેપર આપવા બપોરે ૩.૩૦ વાગ્યે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેઓને પેપર હાથમાં આપવામાં આવ્યું ત્યારે પૂછવામાં આવેલા પ્રશ્નો જોતા જ વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા હતા, અને હોબાળો મચવા પામ્યો હતો.
કોલેજ દ્વારા ચકાસણી કરાયા બાદ કોર્ષને લાગતા સવાલો સાથેનું નવું પેપર વિદ્યાર્થીઓને ઝેરોક્ષ કોપીના રૂપમાં આપવામાં આવ્યું હતું. પરંતુ આ પેપર પણ વિદ્યાર્થીઓને આશરે ૧.૩૦ કલાક બાદ અપાતા પ્રશ્નોના જવાબ માટે વિદ્યાર્થીઓને માત્ર ૧ કલાકનો જ સમય આપવામાં આવ્યો જેને લીધે વિદ્યાર્થીઓ પેપર પૂરું કરે તે પહેલાં જ જવાબવાહીઓ તેમની પાસેથી લાઇ લેવાઈ હતી.
આ સંદર્ભમાં ગુજરાત યુનિ.ના કુલપતિએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જો એનએસયુઆઈએ માગ યોગ્ય હશે તો ફરી એકવાર પરીક્ષા યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કે.કા.શાસ્ત્રી કોલેજમાં પેપર અડધો કલાક મોડું પહોંચ્યું હતું. અને ગત સોમવારે મનોવિજ્ઞાનની લેવાયેલી પરીક્ષામાં પણ કોર્ષ બહારનું પુછાતા પરીક્ષા ફરી લેવાની યુનિવર્સીટીની ફરજ પડી છે.