લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીકમાં ૫ લોકોની આજે પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. તેઓ ૧૦ દિવસ પહેલા આરોપી મનહર પટેલ અને રૂપલ શર્માના સંપર્કમાં હતા. તે પૈકી જયેન્દ્ર રાવલ નામના ભાજપના સ્થાનિક મહામંત્રી પણ સમાવિષ્ઠ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ કેસમાં ભાજપના ૨ નેતાઓની ધરપકડ થઈ છે. પેપર લીકનો એક આરોપી યશપાલસિંહ સોલંકી પોલીસની પકડથી થોડે દૂર છે.
પોલીસે જ્યેન્દ્ર રાવલ, આરોપી મુકેશ ચૌધરીના ભાઈ સંદીપ ખડક, નવાભાઈ લાખભાઈ વાઘડિયા, ભરત મૂળજીભાઈ ચૌધરી અને રમોસના પ્રીતેશ પટેલની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી જવાબ લઈ કોને આપવાના હતાં અને શું ડીલ નક્કી થઈ હતી તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.
જયેન્દ્રને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. ત્યારે અરવલ્લી ભાજપે જયેન્દ્ર રાવલને કાયમી ધોરણે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. તે મનહર પટેલનો ખાસ મિત્ર છે. આ મામલે અન્ય ૧૦ વ્યક્તિઓની પોલીસ તપાસ કરી રહી છે. લોક રક્ષક દળ ની ભરતી માટેની લેવાયેલી પરીક્ષા પહેલા તેનું પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવી પડી છે. પેપર લીકેજ કૌભાંડમાં ભાજપના જ બે આગેવાનો પકડાઈ ગયા છે. પોલીસે આ બંને આરોપીઓ મુકેશ ચૌધરી અને મનોજ પટેલ મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સ ચકાસી રહી છે. ઉત્તર ગુજરાત ભાજપના અગ્રણી તરીકે આ બંને નેતાઓને ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો હતો. આ બંને જણાએ પોતાના મોબાઈલ ફોનમાંથી અનેક વખત ભાજપના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી હતી. હવે પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે આ બંને આરોપીઓએ પેપર લીકના મુદ્દે કોઈ વાતચીત કરી હતી કે વાતચીત રૂટિન હતી. સૂત્રો જણાવે છે કે પોલીસની તપાસ દરમિયાન અને ભાજપના તેમજ કોંગ્રેસના આગેવાનોના નામ આવશે. દરમિયાનમાં પોલીસે હાથેથી લખેલી આન્સરશીટનો કબજો લઈ તેની ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાઈ છે. પોલીસ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચીને વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવા માગે છે જેથી કોર્ટમાં કોઈ આરોપી બચી શકે નહીં. સુત્રો જણાવે છે કે પોલીસ ઉપર જો કોઈ દબાણ નહીં થાય તો આગામી સમયમાં ભાજપના કેટલાક મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા ભાજપના એક મોટા નેતાની પણ સંડોવણી હોવાની પૂરી શક્યતા છે.
પોલીસે ભાગેડુને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં મોકલી આપી છે. મોબાઈલ સર્વેલન્સ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ ભાગેડુ યશપાલને પકડી લેવા માંગે છે. યશપાલ હાથમાં આવ્યા બાદ જ તમામ સાચી હકીકતોનો પર્દાફાશ થશે. દરમિયાન પોલીસે જે આરોપીઓ પકડાયા છે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ માં લઈ જઈ તેમનું મેડિકલ ચેકિંગ કર્યું છે.