દિકરી-દિકરો એક સમાન અને બેટી પઢાઓના સુત્રને આજે ભાવનગર ખાતે કોળી સમાજની દિકરીએ સાર્થક કરી બતાવ્યું હતું. જેમાં સવારે કોલેજની પરીક્ષા આપ્યા બાદ બપોરે લગ્ન મંડપમાં પહોંચી સંસારની કેડીમાં પગ મુક્યો હતો અને સમાજની દિકરીઓને નવો રાહ ચિંધ્યો હતો.
શહેરના કાળીયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા અને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગમાં ફોરમેન તરીકે ફરજ બજાવતા કોળી હિંમતભાઈ મકવાણાની પુત્રી મીનાના આજે તા.ર૩ને ગુરૂવારના રોજ લગ્ન નક્કી થયા હતા પરંતુ તેની બી.એડ્નો અભ્યાસ કરતી હોય અને આજે પરીક્ષા હોય તેણી શિક્ષણને પ્રાધાન્ય કરતી હોય અને આજે પરીક્ષા હોય તેણી શિક્ષણને પ્રાધાન્ય આપીને સવારે પરીક્ષા ખંડમાં પહોંચીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ બપોરે લગ્નગ્રંથીથી જોડાઈ હતી.
મીંઢોળ બંધ દુલ્હનના પહેરવેશ સાથે કોલેજની પરીક્ષા આપ્યા બાદ યુવતી સીધી લગ્ન મંડપે પહોંચી હતી તેના આ નિર્ણયમાં માતા-પિતા સહિત પરિવાર અને તેના ભાવી પતિ અને સાસરીયાઓ તેમજ કોલેજ દ્વારા પણ સારો સહયોગ આપી નિર્ણયને આવકાર્યો હતો. આમ, કોળી સમાજની દિકરીએ નારી શક્તિનું એક અનોખું ઉદાહરણ આપ્યું હતું.