વર્તમાન સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની ઓછી આવક અને ભારે માંગના કારણે ડુંગળીના ભાવો ઉચકાયા છે. હાલ છુટક માર્કેટમાં એક કિલો ડુંગળીનો ભાવ રૂા.પ૦ને પાર થઈ જવા પામ્યો છે.
પ્રતિવર્ષ ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતો ડુંગળી વાવેતરનો જોખમી જુગાર ખેલે છે. કારણ કે જો માર્કેટ મજબુત હોય તો ખેડૂતો માલામાલ અને બમ્પર ઉત્પાદન ઓછી અથવા નહિવત વિકાસ થકી ખેડૂતો પાયમાલ સાથે કર્જમાં ડુબી જતા હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વર્ષોથી ખેડૂતો મોટી માત્રામાં ડુંગળી પકવે છે. સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મહુવા તાલુકાનો છે. ત્યારબાદ તળાજા અને ભાવનગરના અન્ય ગામડાઓનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધી ડુંગળીનું વાવેતર થાય છે અને નવેમ્બરથી એપ્રિલ માસ દરમ્યાન ભાવનગર સહિતના માર્કેટ યાર્ડમાં મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો વેચાણ અર્થે ઠાલવવામાં આવે છે પરંતુ જ્યારે જ્યારે મહારાષ્ટ્રના નાસીક પ્રાંત તથા સૌરાષ્ટ્રમાં મોટી માત્રામાં ડુંગળીનો ઉતારો આવે અને નિકાસ પર આંશી પ્રતિબંધ હોય એવા સમયે સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.
મુળ વાત વર્તમાન સમયની હાલ દેશ તથા પરદેશમાં ડુંગળીની બહોળી માંગ તથા આ વર્ષે સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઓછા વરસાદના કારણે ડુંગળીનું વાવેતર મોડુ થયું છે. જેને લઈને આવક પણ ઓછી છે. આથી ભાવનગર ખેત ઉત્પન્ન બજાર ખાતે વિસ કિલો ડુંગળીનો ભાવ ૬૦૦ થી ૭પ૦ રૂપિયા જેવો ઉપજી રહ્યો છે. ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પ્રતિવર્ષ ડુંગળીને લઈને સ્ટેટ તથા કેન્દ્ર લેવલ સુધી ગંદુ રાજકારણ રમવામાં આવે છે. પરિણામે ખેડૂતોની હાલત દયનિય બને છે પરંતુ આ વર્ષે સમાચાર સારા છે. નાસીકમાં ઓછું વાવેતર સાથે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય જેનો સીધો જ ફાયદો ખેડૂતોને થશે. કૃષિ વિશેષજ્ઞો તથા વર્ષો જુના વેપારીઓની ધારણા અનુસાર આ વર્ષે છેક સુધી ડુંગળીના ભાવો મજબુત રહેશે. ડુંગળી પકવતા ખેડૂતો માલામાલ થશે. અનુભવી અને સ્થિતિ પારખુ ખેડૂતો અત્યારથી જ વહેલી તકે બજારમાં ડુંગળી વેચાય તેવા તનતોડ પ્રયાસો હાથ ધર્યા છે. ખેડૂતો માટે સ્થિતિ સારી છે પરંતુ મધ્યમ તથા ગરીબ વર્ગના લોકો માટે કસ્તુરીના અત્યારથી જ ભાવ ૧ કિલો દિઠ પ૦ રૂા. પાર થઈ જવા પામ્યા છે. જેથી તેઓની હાલાકી વધી છે.