ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા ૭ માર્ચથી શરૂ થશે

586

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. માર્ચ-૨૦૧૮ની પરીક્ષા તા.૧૨ માર્ચથી શરૂ થઇ હતી. એટલે કે, આ વખતે બોર્ડની પરીક્ષા પાંચ દિવસ વહેલા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે અત્યારસુધીમાં કુલ મળી, ૧૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાઇ ચૂકયા છે અને હજુ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની નોંધણીની કાર્યવાહી ચાલુ હોઇ આ આંકડો વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગઇ વખતે ધોરણ-૧૨ સાયન્સમાં પ્રથમ વખત સેમેસ્ટર સીસ્ટમ વગર બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે, તે નોંધનીય હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯ માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓના આગોતરા આયોજનને ધ્યાનમાં રાખી આજરોજ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સૌપ્રથમવાર ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા સેમેસ્ટર સીસ્ટમ વિના યોજાઇ હતી. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચ,૨૦૧૯ના રોજ પૂર્ણ થશે. સાયન્સની પરીક્ષા દરમ્યાન મહત્વના પેપરો વચ્ચે એક દિવસ રજા આપવાની પરંપરા બોર્ડ દ્વારા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. સાયન્સમાં પ્રથમ વિજ્ઞાનના ત્રણ વિષયની પરીક્ષા લેવાશે અને છેલ્લુ પેપર અંગ્રેજી(પ્રથમ અને દ્વિતીય ભાષા)નું રાખવામાં આવ્યું છે. આ જ પ્રકારે ધોરણ-૧૦ની પરીક્ષા પણ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૧૯મી માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં પણ મહત્વના વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બે દિવસનો ગેપ આપવામાં આવ્યો છે. જયારે ધોરણ-૧૦ના સૌથી અઘરા મનાતા ગણિત વિષયના પેપર માટે વિદ્યાર્થીઓને આ વખતે બે દિવસના ગેપનો ફાયદો આપવામાં આવ્યો છે. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ તા.૭મી માર્ચથી જ શરૂ થશે પરંતુ તે સૌથી છેલ્લે એટલે કે, તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. વિષયોની સંખ્યા વધુ હોવાથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા મોડે સુધી ચાલવાની છે. બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦માં ૧૧ લાખ આસપાસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત પરીક્ષામાં ધોરણ-૧૦ના ૧૧.૦૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ-૧૨ સાયન્સમાં આ વખતે ૧.૩૦ લાખ આસપાસ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગત પરીક્ષામાં ૧.૩૫ લાખથી વધુ હતા. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે અત્યારસુધી પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

જો કે, ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.૧૦મી ડિસેમ્બર અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેનાર હોવાથી આ આંકડો હજુ વધશે તેમ બોર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું. ગત પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Previous articleઅક્ષરધામથી વિશ્વની સૌ પ્રથમ ઑનલાઈન ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી થઈ
Next articleકેડ સેન્ટર અમદાવાદ દ્વારા એન્જિ. જોબ ફેરનું આયોજન  કરાયું