પાટીદાર અનામત બિલને લઈને હાર્દિક પટેલ – પરેશ ધાનાણી વચ્ચે બેઠક યોજાઈ

1054

પાટીદાર અનામત મુદ્દે આજે હાર્દિક પટેલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં પાસનાં અન્ય નેતાઓ મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ મળવા પહોંચતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ધાનાણીએ કહ્યું હતું કે, યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

પાટીદારોને અનામત આપવા અંગે કોંગ્રેસ શું વિચારે છે તે અંગે તેણે ધાનાણી સાથે ચર્ચા કરી અને કોંગ્રેસે અનામત અંગેનોં બિલ વિધાનસભામાં મૂક્યું છે ત્યારે આ બિલ આગામી સત્રમાં સુધારા સાથે કઈ રીતે પસાર થશે તે અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ, આ ખાનગી બિલને પ્રાથમિકતા આપીને ગૃહમાં સત્ર દરમિયાન ચર્ચા કરવાની માગ કરશે તેવી પરેશ ધાનાણીએ બાંહેધરી આપી હતી. આશરે સવા કલાક સુધી પરેશ ધાનાણી સાથે હાર્દિક પટેલ અને તેના  સાથીઓએ ચર્ચા કરી. જે બાદ હાર્દિકે જણાવ્યું કે સત્તામાં બેઠેલા શાસકોમાં અભિમાન આવી ગયું છે, તેથી અપેક્ષા સાથે વિપક્ષ પાસે આ ચર્ચા કરવા આવવું પડ્‌યું.

હાર્દિકે કહ્યું હતું કે, આજદિન સુધી પાટીદાર સમાજે બિનઅનામત વર્ગમાં આવતા કોઈ પણનો સામાજિક કે આર્થિક ધોરણે સરવે કર્યો નથી. તે અમારી વિનંતી રાજ્ય સરકાર તથા વિપક્ષને છે કે, આ સરવે બાદ અમારી માંગણી ગુજરાતના તમામ યુવક-યુવતીઓ માટે છે. તેમની રોજગારી માટેની છે. ગુજરાતના તમામ સમાજને જે મળતુ હશે, તેના માટે અમે ખુશ છીએ. ગુજરાતમાં દરેકને લાભ મળવો જોઈએ. કોંગ્રેસે કહ્યું છે કે, આગામી વિધાનસભા સત્રમાં તેઓ ચર્ચા કરશે.

હાર્દિકે કહ્યું કે, કોઈનું છીનવું લેવું એ અમારા લોહીમાં નથી, અને કોઈનું પડાવી લેવું એ અમારા સંસ્કારોમા પણ નથી. જે સમાજને મળે છે તે તેને દિલથી મળવું જોઈએ. પાછળ પડેલા સમાજને પણ લાભ મળે તેવા વિચારો સાથે અમે પરેશ ધાનાણીને મળ્યા હતા. ભાજપ ન કોઈ સમાજ, ન કોઈ યુવાન કે ખેડૂતોનું સારુ કરી રહી છે. તો આવી પાર્ટીએ રાજીનામુ આપી દેવું જોઈએ.

પરેશ ધાનાણીએ મીડિયાને કહ્યુ કે, હાર્દિકે જે માંગણી અને મુદ્દા રજૂ કર્યા તેને લઈને ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ મેં વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલ દાખલ કર્યું હતું. અનુસૂચિત જાતિ, જનજાતિ, અનુસૂચિત આદિજાતિ અને બક્ષીપંચ સમાજના આરક્ષણને અસર ન થાય તે રીતે વધારાના ૧૫ ટકા બિનઅનામત વર્ગના દરેક સમાજના લોકોને શિક્ષણ અને રોજગારમા આરક્ષણથી તકો પ્રાપ્ત થાય, ૧૫ ટકા અનામત માટે માંગણી કરી હતી. અમે વિધાનસભામા ૨ ખાનગી બિલ રજૂ કર્યા હતા. હું સરકારને વિનંતી કરું છું કે, અમે જે બિલ દાખલ કર્યુ છે, તેને સર્વાનુમતે વિધાનસભામાં પાસ કરાય.

Previous articleકેડ સેન્ટર અમદાવાદ દ્વારા એન્જિ. જોબ ફેરનું આયોજન  કરાયું
Next articleગાંધીનગરથી ૩ર કિ.મી. દૂર ટેલી રોબોટિક સર્જરી કરી વિક્રમ સ્થાપ્યો