કોંગ્રેસ-એનસીપી વચ્ચે હવે ગઠબંધન નહી થાય

891
guj24112017-8.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધનની વ્યૂહાત્મક રાજનીતિ પણ અસરકારક સાબિત થતી હોય છે, જેના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના ગઠબંધનના જોરદાર પ્રયાસો ચાલી રહ્યા હતા અને બેઠકોના દોર સતત ચાલી રહ્યા હતા. આજે પણ બપોર સુધી દિલ્હીમાં ચાલેલી બેઠકના અંતે એક મહત્વના ઘટનાક્રમમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચેની મંત્રણા પડી ભાંગી હતી અને બંને પક્ષના નેતાઓએ સ્વીકારી લીધુ હતુ ંકે, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે હવે ગઠબંધન થાય તેમ નથી. આ સમાચારને પગલે ભાજપની છાવણીમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી તો બીજીબાજુ, કોંગ્રેસ અને એનસીપીએ પોતપોતાના ઉમેદવારોને પોતાની રીતે ચૂંટણી પ્રચાર અને કામગીરીમાં જોતરાઇ જવા સૂચના જારી કરી દીધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઇપણ હિસાબે હરાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારની સાથે સાથે ગુજરાતના રાજકારણના યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની સાથે ચર્ચા બેઠક યોજી કોંગ્રેસ તરફી વાતાવરણ ઉભુ કરાઇ રહ્યું હતું તો બીજીબાજુ, જેડીયુ, એનસીપી સહિતના રાજકીય પક્ષો સાથે પણ ગઠબંધન કરી વધુમાં વધુ બેઠકો કબ્જે કરવાની વ્યૂહાત્મક રાજકારણ અમલમાં મૂક્યું હતું. જેના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ 
અને હાઇકમાન્ડ સાથે એનસીપી હાઇકમાન્ડ અને રાષ્ટ્રીય નેતાઓની બેઠકોનો દોર સતત ચાલતો હતો. બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના વિધાનસભા મતક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા હતા. દરમ્યાન આજે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને એનસીપીના પ્રફુલ પટેલ સહિતના નેતાઓ વચ્ચે એક ખૂબ મહત્વની બેઠક યોજાઇ હતી, ઘણા લાંબા સમય સુધી ચાલેલી આ બેઠકના અંતે કોઇ ફળશ્રુતિ બહાર આવી ન હતી અને બંને પક્ષના નેતાઓએ સ્વીકાર્યું હતુ કે, હવે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોઇ ગઠંબધન થાય તેમ નથી. મુખ્ય કારણ એ પણ બહાર આવ્યું હતું કે, બંને પક્ષના ઉમેદવારો પોતપોતાના ઉમેદવારીપત્રો ખેંચવા રાજી જ ના થયા જેના કારણે બંને પક્ષના નેતાઓની મંત્રણાઓ પડી ભાંગી.

Previous articleરેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર
Next articleસીડીની ધમકીના જોરે પાસના નેતાઓને ભાજપ ખેંચી રહી છે