બેન્કોનું કરોડોનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી જનાર વિજય માલ્યા બેન્કોનું દેવું ચૂકવવા માટે તૈયાર થયા છે. વિજય માલ્યાએ આજે સવારે ટ્વીટ કરીને કહ્યું છે તેઓ ભારતીય બેન્કોનું તમામ દેવું ચૂકવવા તૈયાર છે, પરંતુ એક શરત કે તેઓ વ્યાજ આપી શકશે નહીં. વિજય માલ્યાએ એક સાથે ત્રણ ટિ્વટ કરી છે અને તેમણે બેન્કોને ૧૦૦ ટકા નાણાં પરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સાથો સાથ તેમણે કહ્યું કે તેમની સાથે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ પક્ષપાત કર્યો છે. આપને જણાવી દઇએ કે માલ્યા પર અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયાનું બેન્કોનું દેવું છે. માલ્યાના ભારત પ્રત્યર્પણ પર યુકે કોર્ટ ૧૦ ડિસેમ્બરે ચુકાદો આપે તેવી શક્યતા છે.વિજય માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે છેલ્લાં ત્રણ દાયકા સુધી સૌથી મોટા દારૂ વેચતા ગ્રૂપ કિંગફિશરે ભારતમાં વેપાર કર્યો છે. આ દરમ્યાન કેટલાંય રાજ્યોની મદદ પણ કરી છે.
કિંગફિશર એરલાઇન્સ પણ સરકારને ભરપૂર ચૂકવણી કરી રહ્યું હતું. પરંતુ શાનદાર એરલાઇન્સનો દુઃખદ અંત આવ્યો, પરંતુ છતાંય હું બેન્કોને ચૂકવણી કરવા માંગું છું જેથી કરીને તેમને કોઇ ખોટ ના જાય. કૃપ્યા આ ઓફરનો સ્વીકાર કરો.
વિજય માલ્યાએ ત્રીજી ટ્વીટ કરી. તેમણે એક બીજી ટ્વીટમાં વિજય માલ્યાએ કહ્યું કે રાજનેતા અને મીડિયા સતત બૂમો પાડીને મને પીએસયુ બેન્કોના પૈસા ઉડાવી દેનાર ડિફોલ્ટર જાહેર કરી રહ્યાં છે. પરંતુ આ બધુ ખોટું છે. મારી સાથે હંમેશાથી જ પક્ષપાત કરાયો છે, મારી સાથે યોગ્ય વ્યવહાર કેમ કરી રહ્યા નથી? મેં કર્ણાટક હાઇકોર્ટમાં પણ વિસ્તારથી ઉકેલ લાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો, તેને બધાએ ગણકાર્યો નહીં, ખૂબ જ દુખદ.
વિજય માલ્યા એ આગળ કહ્યું કે કિંગફિશર એરલાઇન્સ ઇંધણના ઊંચા ભાવનો શિકાર બન્યું. કિંગફિશર એક શાનદાર એરલાઇન્સ હકતી. જેને ક્રૂડ ઓઇલના બેરલ દીઠ ૧૪૦ ડોલરના ભાવનો સામનો કર્યો. ખોટ વધતી ગઇ, બેન્કોના પૈસા આમા જ જતા રહ્યાં. મેં બેન્કોને ૧૦૦ ટકા પૈસા પાછા આપવાની ઓફર આપી છે. કૃપ્યા તમે તેનો સ્વીકાર કરો.