પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આજે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ હાર્દિક પટેલ જેવી સીડી-વીડિયો ફરતી કરવા સહિતની ધાકધમકીઓ અને પૈેસાના જોરે પાસના નેતાઓ અને કન્વીનરોને તેમના પક્ષમાં ખેંચી રહી છે. સવાણીએ હાર્દિકની જેમ આગામી દિવસોમાં તેની સીડી પણ ભાજપ દ્વારા ફરતી કરાય તેવી દહેશત વ્યકત કરી હતી. બીજીબાજુ, નિખિલ સવાણીના આ આક્ષેપોને પાસમાંથી ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ અને રેશ્મા પટેલે હાસ્યાસ્પદ ગણાવી તેનું ખંડન કર્યું હતું. નિખિલ સવાણીએ ભાજપ પર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, ભાજપના માણસો દ્વારા તેને અવારનવાર ધાકધમકીના ફોન આવે છે. તાજેતરમાં જ તેની પર એક ફોન આવ્યો હતો અન તેને ધમકી અપાઇ હતી કે, તારી પણ હાર્દિક પટેલ જેવી સીડી મોર્ફ કરી ફરતી કરી દેવાશે, ભાજપમાં જોડાઇ જા. આમ કહી સવાણીએ સુરતના બિલ્ડર મુકેશ પટેલ પણ તેને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાસના કન્વીનરો અને નેતાઓને યેનકેન પ્રકારે ભાજપમાં જોડાવવા માટે તેઓને સીડી, પૈસા અને જાનથી મારી નાંખવા સહિતની ધાકધમકીઓ અને પ્રલોભનોના જોરે ભાજપ ગંદી રાજનીતિ કરી રહી છે. સવાણીએ જાહેર કર્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપ વિરૂધ્ધ પ્રચાર ચાલુ રાખશે અને તેનો એક જ ધ્યેય છે ભાજપને હરાવવાનો.
આ માટે તે ભાજપની વિરૂધ્ધમાં પ્રચાર કરશે. પાટીદારો ભાજપને હરાવીને જ શાંત થશે. તેણે ઉમેર્યું કે, વરૂણ પટેલ અને રેશમા પટેલને આવી સીડીઓ ફરતી કરવાની ધમકી આપી ભાજપે તેમના પક્ષમાં સમાવ્યા હોય એવું બની શકે. જો કે, વરૂણ પટેલ અને રેશ્મા પટેલે નિખિલ સવાણીના આક્ષેપોને હાસ્યાસ્પદ ગણાવી તેનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, સવાણી તેની ચિંતા કરે. અમારી રક્ષા કરતાં અમને આવડે છે.