ગાંધીનગરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાહેર મુખ્ય માર્ગો પરના અને જાહેર સ્થળોએ શૌચાલય બનાવવામાં આવ્યા હતાં. જેથી શૌચાલયનો તમામ નાગરિકો ઉપયોગ કરી શકે. પરંતુ મજુર વર્ગ અને નાગરિકો શૌચાલયનો ઉપયોગ ટાળીને આસપાસની ખુલ્લી જગ્યા પર શૌચક્રીયા કરતા જોવા મળતાં હોવાથી વાઇબ્રન્ટ સમિટ સમયે તંત્ર દ્વારા તમામ શૌચાલયો નિઃશુલ્ક કરી દેવાયા હતાં.પરંતુ હજુ પણ શહેરના તમામ જાહેર શૌચાલય પર પે એન્ડ યુઝ લખેલા પાટિયા જેમના તેમ છે. પરિણામે પે એન્ડ યુઝના બોર્ડ જોઇને નાગરિકો મુંઝવણમાં મુકાઇ રહ્યા છે. ત્યારે આ બોર્ડ બદલાય તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.ત્યારે આવી સ્થિતિ ઉભી થતા હાલ પાટનગરવાસીઓ અવઢવમાં મુકાઈ ગયા છે.અને તંત્રની આવી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં વિવિધ સ્થળોએ મુલાકાતીઓ અને નાગરિકો માટે તંત્ર દ્વારા જાહેર શૌચાલયોની સુવિધા ઉભી કરાઇ છે. શહેરમાં ૪૨ જાહેર શૌચાલય પાટનગર યોજના વિભાગ, ગુડા અને મહાપાલિકાએ બનાવ્યા છે. હાલની સ્થિતએ તમામ શૌચાલયનું સંચાલન મહાપાલિકા કરી રહી છે. તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા શહેરના ૧૩ સ્થળે શૌચાલયો બનાવવામાં આવ્યાં હતાં.
પરંતુ સમય જતાં તેની જાળવણી યોગ્ય ન થતાં મહાનગરને કામગીરી સોંપાઇ હતી. પાલિકા દ્વારા તમામ શૌચાલયની સંખ્યા વધારાઇ હતી અને નિઃશુલ્ક કરવામાં આવ્યા બાદ શૌચાલયો બહાર નિઃશુલ્કના બોર્ડ મરાયા હતાં. પરંતુ હજુ સુધી પે એન્ડ યુઝના બોર્ડ દુર ન થતાં મુલાકાતીઓ અને નાગરિકો મુંઝવણમાં મુકાય છે.
ગાંધીનગરમાં પબ્લિક ટોઇલેટ સેકટર ૨૪ શાકમાર્કેટ, ૧૬ ફુડ માર્કેટ અને સેકટર ૬,૭,૯,૧૭ અને ૨૧ સહિતના સ્થળે બનાવવામાં આવ્યાં છે. આ સ્થળોએ બનાવવામાં આવેલા ટોઇલેટની દેખરેખ શરૂઆતમાં યોગ્ય ન થતાં તમામ જવાબદારી મહાનગર પાલિકાને સોંપી દેવાઇ હતી. હવે આ ટોઇલેટ મહાનગરપાલિકા હસ્ત છે. તેની જવાબદારી પણ મહાનગરપાલિકાની છે.
શહેરમાં ૪૨ સ્થળોએ પબ્લિક ટોઇલેટ કાર્યરત છે. તેમાં સેકટર ૧૦માં મીના બજારમાં, સેકટર ૨૯માં ઘ ૬ સર્કલ પાસે, સેકટર ૧૭માં ઘ ૫ સર્કલ પાસે, સરિતા ઉદ્યાન, સેકટર ૬માં અપના બજાર પાસે, સેકટર ૨૪ ઇન્દિરાનગરમાં અને સેકટર ૭માં શોપિંગ સહિતના વિવિધ ૧૩ સ્થળોએ ૧ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા તમામ ટોઇલેટ જાન્યુઆરી ૨૦૧૭થી નિઃશુલ્ક કરવામાં આવ્યાં હતાં.