લોકરક્ષકદળની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાની ચકચારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી (ઠાકોર)ની એટીએસએ મોડી રાતે મહીસાગરના વીરપુર નજીકથી ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ થઈ ગઈ હોવાનું ગાંધીનગર એસપી મયૂરસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
એટીએસની ટીમે યશપાલની ધરપકડ કરીને તેની કસ્ટડી ગાંધીનગર પોલીસને સોંપી છે ત્યારે હવે આ ચકચારી કિસ્સામાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.યશપાલ દિલ્હીના માસ્ટરમાઇન્ડ સાથે મળીને આ કાંડ આચર્યું છે તો બીજી તરફ યશપાલ બાદ નિલેશની પણ શોધખોળ શરૂ કરી છે. બન્ને જણાએ ભેગા મળીને ર૦ થી ૩૦ ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા.
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રકરણમાં મોટાં માથાંની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે. પેપર લીક કર્યા બાદ યશપાલ દિલ્હીથી આન્સર કી લઇ પ્લેનમાં વડોદરા ગયો હતો અને વડોદરાથી તે બાય રોડ સુરત ગયો હતો. યશપાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યો હોવાનું ખૂલતાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમો બનાવી તેના નિવાસસ્થાન અંગે તપાસ કરાવી હતી. યશપાલની ધરપકડ બાદ હવે બધાંને દિલ્હી લઇ જનાર તમામના ફોન બંધ કરાવનાર નિલેશનું રહસ્ય ખૂલવા સાથે ‘ટાટ’ની પરીક્ષામાં ગરબડ કરનાર અને લોકરક્ષક પેપર ફોડનાર આંતરરાજય ગેંગ એક છે કે કેમ તે અંગે તપાસ થશે.