પેપર લીક મામલો : પેપર લીકમાં સંડોવાયેલા તમામ લોકોને બ્લેક લીસ્ટ કરાશે

708

લોકરક્ષક દળ પેપર લીક મામલે આજે ફરી ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી તપાસ અંગેની માહિતી મીડિયાને આપી છે. એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હીની ગેંગ દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે. એસપીએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદથી ૨૦થી ૨૫ પરિક્ષાર્થીઓ દિલ્હી ગયા હતા, આ લોકોની સાથે મુખ્ય સૂત્રધાર યશપાલ સિંહ પણ ગયો હતો. આ લોકોને દિલ્હીમાં અલગ અલગ પાંચ ગ્રુપમાં વહેચી દિલ્હીની અવાવરૂ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા હતા. જેમ કે ગેરેજ, બંધ મકાન વગેરે. આ લોકોને પેપરની આન્સર શીટ વાંચવા આપવામાં આવી હતી, જ્યારે યશપાલને તેની જવાબવહી લખવા દેવામાં આવી હતી.

આ કેસમાં ઈન્દ્રવદન નામના વ્યક્તિનું અને નિલેશ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. ઈન્દ્રવદન બરોડાનો રહેવાસી છે. પરિક્ષાર્થિઓ જે ચાર વાહનોમાં ગયા હતા, તે ગાડીઓના ડ્રાઈવરોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.

દિલ્હીથી પાછા અમદાવાદ આવવાની યશપાલની ટિકિટ ઈન્દ્રવદને બુક કરી. યશપાલ પેપરની કોપી લઈ ગુજરાત આવ્યો હતો. એસપી મયૂર ચાવડાએ કહ્યું કે, જે લોકો આ કેસમાં સંડોવાયેલા છે. તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. અને ધ્યાન રાખવામાં આવશે કે, અગામી લેવાનારી પરિક્ષામાં તે લોકો પરિક્ષા ન આપી શકે.

Previous articleLRD પેપર લીક મામલો : યશપાલ સોલંકીની ધરપકડ, મોટા માથાંની સંડોવણીની શકયતા
Next articleએથ્લેટીકસમાં રાજયકક્ષાએ વિજેતા ભરતભાઈ પંડયા