કાશ્મીરી આતંકવાદી જાકીર મુસા પંજાબમાં છુપાયેલો હોવાની વિગતો સપાટી ઉપર આવ્યા બાદ હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. શીખ વેશભૂષામાં જાકીર મુસા પંજાબમાં છુપાયેલો છે અને તે ઘાતક ઇરાદા ધરાવે છે. પંજાબમાં હાલમાં જ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેનાથી ભારે ખળભાળાટ મચી ગયો હતો. અમૃતસરમાં નિરંકારી સત્સંગ ભવનમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલામના મુખ્ય આરોપીને પહેલાથી જ પકડી પાડ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે, ઝડપાયેલા આરોપીના સંબંધ પાકિસ્તાનના કેટલાક લોકો અને ખાલિસ્તાન સમર્થકો સાથે છે.
આવી સ્થિતિમાં મુસા પણ પંજાબમાં હોવાના અહેવાલથી સેના અને પોલીસ ખુબ સાવધાન થઇ ગઈ છે. પંજાબમાં ફરી એકવાર કોઇ આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવે તેમ માનવામાં આવે છે.
ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભટિંડા અને ફિરોઝપુર જિલ્લામાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ ઉપર રાખવામાં આવી છે. મુસા શીખ વેશભૂષામાં છુપાયેલો છે. તે અન્સાર ગજવત ઉલ હિંદ પ્રમુખ છે. એમ માનવામાં આવે છે કે, વૈશ્વિક આતંકવાદી સંગઠનની સાથે મુસા જોડાયેલો છે. સેનાના જવાનો, પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો ભટિંડા રેલવે સ્ટેશન જેવા મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળો ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારે તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી હતી. બીજી બાજુ બંને જિલ્લામાં પ્રજાને સાવચેત રાખવા અને સુરક્ષા એજન્સીઓએ જુદીજુદી જગ્યાઓએ મુસાના પોસ્ટર મુકી દીધા છે જેમાં એકમાં તે શીખના વેષમાં છે. આ પહેલા નવેમ્બરમાં ગુરદાસપુર અને અમૃતસરમાં મુસા છુપાયેલો હોવાના અહેવાલ આવ્યા હતા.