કુખ્યાત આણી મંડળી શૈલેષ ધાંધલ્યા ગેંગનો વોન્ટેડ આરોપી દિલીપ ઉર્ફે સુખો પેરોલ જંપ કરી પોલીસ ચોપડે નાસતો ફરતો હોય જેને ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ગત મોડીરાત્રે તળાજા તાલુકાના ભદ્રાવળ નં.ર ગામેથી રીવોવર સાથે ઝડપી લીધો હતો.
ભાવનગર પંથકમાં વર્ષ ર૦૦૮ની સાલમાં પલેવાળ બ્રાહ્મણ શૈલેષ ધાંધલ્યા નામના કુખ્યાત શખ્સે પોતાની કાલા સોના ગેંગ દ્વારા જિલ્લાભરમાં અનેક નાના-મોટા અપરાધો થકી તરખાટ મચાવ્યો હતો અને પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બનેલી આ ગેંગ એક બાદ એક ગંભીર ગુનાઓને સરળતાથી અંજામ આપી નાસી છુટતી પરંતુ ત્યારબાદ કાયદાના રખેવાળોએ કાલા સોના ગેંગના મુખ્ય સુત્રધાર સહિતના ગુંડાઓને ઝડપી લીધા હતા અને તળાજામાંથી એસ.ટી.ના કેશીયર પર ફાયરીંગ લૂંટ તથા મહુવાના આંગડીયા કર્મીની લૂંટના ઈરાદે હત્યા કરનાર શૈલેષનો સાગરીત દિલીપ ઉર્ફે સુખો લાલા મકવાણા ઉ.વ.ર૮ રહે.દિહોરવાળો ઝડપાયા બાદ જામીન પર નાસતો ફરતો હોય જેને ચોક્કસ બાતમી આધારે એસઓજીની ટીમે ગત મોડીરાત્રે તળાજા તાલુકાના ભદ્રાવળ નં.રથી ટીમાણા ગામ તરફ જવાના રોડ પર આવેલ શેત્રુંજી નદીની કેનાલ પાસેથી રીવોલ્વર સાથે ઝડપી લઈ જેલહવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.