ભાજપની રથયાત્રા પર હાઈકોર્ટનો પ્રતિબંધ

824

પશ્ચિમ બંગાળમાં એકબાજુ ભાજપ દ્વારા સૂચિત રથયાત્રા ઉપર કોલકાતા હાઈકોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા ઉપર વણઓળખાયેલા હુમલાખોરોએ હુમલો કરી દીધો છે. રથયાત્રાને લઇને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ભાજપના નેતાના કાફલા ઉપર આ હુમલો કુચબિહાર જિલ્લાના સીતાઈ ક્ષેત્રમાં કરાયો હતો. સીતાઈમાં ભાજપના વડા અમિત શાહ શુક્રવારના દિવસે રથયાત્રાની શરૂઆત કરનાર હતા. આ મામલામાં વધુ સુનાવણી ૯મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવશે. ભાજપ ૭મી ડિસેમ્બરથી ઉત્તરમાં કુચબિહારથી અભિયાન શરૂ કરવાની તૈયારીમાં છે. ૯મી ડિસેમ્બરે દક્ષિણ ચોવીસ પરગના જિલ્લા  અને ૧૪મી ડિસેમ્બરે વીરભૂમિ જિલ્લામાં તારાપીઠ મંદિરથી ભાજપ રથયાત્રા શરૂ કરવાનો કાર્યક્રમ ધરાવે છે. આ કાર્યક્રમના આયોજનથી પહેલા પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ એજ યાત્રા માટે સૂચિત માર્ગથી નિકળી રહ્યા હતા ત્યારે જ તેમના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રથયાત્રા કાઢવાની તૈયારીમાં રહેલા ભાજપને આજે ફટકો પડ્યો હતો. કારણ કે, હાઈકોર્ટે આને મંજુરી આપી ન હતી. હાઈકોર્ટની સિંગલ બેંચે રથયાત્રાની મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો  છે. આ મામલામાં કોર્ટ દ્વારા વધુ સુનાવણી ૯મી જાન્યુઆરીના દિવસે કરાશે.

ભાજપ અધ્યક્ષની કુચબિહારથી સૂચિત યાત્રાને મંજુરી આપવાનો ઇન્કાર કરતા કહ્યું છે કે, આનાથી સાંપ્રદાયિક સ્થિતિ વણસી શકે છે. રાજ્ય સરકારના એજી કિશોર દત્તાએ કોલકાતા હાઈકોર્ટને માહિતી આપી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં પાર્ટીની લોકતંત્ર બચાવો રેલી કરવા જઈ રહ્યા છે જેમાં ત્રણ રથયાત્રા યોજવામાં આવશે. મમતા બેનર્જી સરકાર ભાજપના આ આયોજનથી હચમચી ઉઠી છે. આગામી લોકસભાની ચૂંટણી ૨૦૧૯ને ધ્યાનમાં લઇને ભાજપે બંગાળની ૪૨ લોકસભા સીટો ઉપુર નજર કેન્દ્રિત કરી દીધી છે.

Previous articleઆંતકી હુમલા કરતાં રોડ પરના ખાડાના કારણે વધુ મોત થાય છે : સુપ્રિમ લાલઘૂમ
Next articleઉ.પ્રદેશના બહીરાઈચના ભાજપ સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ