ઉત્તર પ્રદેશના બહીરાઈચના ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી પક્ષથી અસંતુષ્ટ હોવાથી આખરે સાંસદ ફુલેએ રાજીનામું આપી દીધું છે. દલીત નેતા ફુલેના મતે તેમનો રાજકારણમાં આવવાનો ઉદ્દેશ બંધારણને યોગ્ય અને ખરી રીતે અમલ કરાવવાનો છે. ‘મે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ હું આ ટર્મ સુધી લોકસભા સભ્ય તરીકે ચાલુ રહીશ,’ તેમ ફુલેએ લખનઉમાં જણાવ્યું હતું. આગામી ૨૩ ડિસેમ્બરથી દલીતોના હકો માટે ફુલેએ દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશને બંધારણની જરૂર છે મંદિરની નહીં.
ઉલ્લેખનીય છે કે સાવિત્રીદેવી ફુલે કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકાર પર સતત પ્રહારો કરતા રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે પક્ષ પછાત વર્ગ સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. આ ઉપરાંત ફુલેએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સમાજને તોડવાનું કામ કરી રહ્યું છે.