જિલ્લાની ૭ બેઠકો માટે ૭૧ મૂરતિયા મેદાનમાં

672
bhav25112017-3.jpg

તા.૯ ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના આજે અંતિમ દિવસે કુલ ર૦ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા હવે ૭ બેઠકો માટે કુલ ૭૧ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં સૌથી વધુ પાલીતાણા બેઠક પર ૧પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે સૌથી ઓછા ભાવનગર પૂર્વ બેઠક પર માત્ર ૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના આજે અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે ગઈકાલે ત્રણ ઉમેદવારોએ અને આજે અંતિમ દિવસે ર૦ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. જેમાં મહુવા બેઠક પર વર્ષાબેન જોળીયા, કથ્થડભાઈ પરમાર તથા લાલુ અલ્પેશભાઈએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. મહુવા બેઠક પર હવે કુલ ૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે તળાજા બેઠક પર સૌપ્રથમ અપક્ષ ઉમેદવારી કરનાર મહેન્દ્રસિંહ સરવૈયાએ તેમજ કિર્તિદેવસિંહ સરવૈયાએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા. તળાજા બેઠક પર હવે કુલ ૧ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ ઉપરાંત ગારિયાધાર બેઠકમાં જીતેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ પરમાર, ઉસ્માનભાઈ મધરા તથા બાબુભાઈ સરવૈયાએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા. ગારિયાધારમાં હવે કુલ ૧ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. 
પાલીતાણા બેઠક પર ફોર્મ પાછા ખેંચવાના આજે અંતિમ દિવસે ઈકબાલભાઈ સરવૈયા, પ્રવિણભાઈ વેલજીભાઈ રાઠોડએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. જિલ્લાની સાતેય બેઠકોમાં પાલીતાણા બેઠક પર હવે સૌથી વધુ કુલ ૧પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આ ઉપરાંત ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી આજે અશોકસિંહ બટુકભા ગોહિલે ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચતા આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. ભાવનગર પૂર્વ બેઠક પર આજે રસીદખાન પઠાણ, કૈલાસબેન સોલંકી તેમજ નીતિનભાઈ ભટ્ટે ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા હતા. આથી ભાવનગર પૂર્વ બેઠક પર હવે માત્ર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જ્યારે ભાવનગર પશ્ચિમ બેઠક પર આજે રાજેન્દ્રસિંહ જાડેજા, મયુદ્દીન દલ, રવજીભાઈ બારૈયા, લાખાભાઈ સરવૈયા અને જેસીંગભાઈ મકવાણા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. ભાવનગર પશ્ચિમ બેઠક પર હવે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આમ, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના આજે અંતિમ દિવસે ર૦ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા કુલ ૭ બેઠકો પર હવે ૭૧ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. 

Previous article એસઓજીએ ચોરી કરતી ગેંગના ૩ શખ્સોને ઝડપી લીધા
Next article ફુલસરના કોળી આધેડની હત્યા કરનાર રઘુને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ