કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એફ.એસ.એસ.એ.આઇ દ્વારા સમગ્ર ભારતમાં ખોરાક અંગેની જનજાગૃતિ માટે આયોજીત સ્વસ્થ ભારત યાત્રા- સાયકલ યાત્રા ગઇકાલે ગાંધીનગર ખાતે આવી હતી. આ સ્વસ્થ ભારત- સાયકલ યાત્રાની આજે સવારના ૮.૦૦ કલાકે પ્રભાત ફેરી યોજાઇ હતી. ત્યાર બાદ જી.એમ.ઇ.આર.એસના ઓડિટોરિયમ હોલ ખાતે પબ્લિક મીટીંગનું આયોજન જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ખોરાક અંગેની જાગૃતિ લાવવાના ઉમદા આશયથી આ સ્વસ્થ ભારત યાત્રા – સાયકલ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. દેશના વિવિધ પ્રાંતોને છ વિભાગમાં વહેંચી ખોરાક અંગેની જાગૃતિ ફેલાવા માટે તા. ૧૬મી ઓકટોબર, ૨૦૧૮ થી સાયકલ યાત્રાના આરંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજયમાં રૂટ નંબર- ૨ ની યાત્રા કે જે ગોવાથી આરંભ થયો હતો, તે તા. ૧૬મી નવેમ્બર, ૨૦૧૮ થી ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને ગઇકાલે ગાંધીનગરમાં આવી છે.
કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા થકી સમગ્ર દેશના વાસીઓને મીઠું, ખાંડ અને તેલની માત્રા ધટાવવાથી આરોગ્યને કેવા કેવા ફાયદાઓ થાય છે. તેમજ વધુ માત્રામાં લેવાથી શું શું નુકશાન આપણા આરોગ્યને થાય છે. તેની જાણકારી આપી રહ્યાં છે. મીઠુ, ખાંડઅને તેલ વધુ માત્રામાં લેવાથી કેવા પ્રકારના રોગો શરીરમાં આવે છે, તેની દષ્ટાંત પૂર્વક વાત પણ કરી હતી. ઉપસ્થિત સર્વેને આ ત્રણ ચીજની માત્રા ખોરાકમાં સપ્રમાણ લઇ સ્વસ્થ જીવન જીવાની અપીલ પણ કરી હતી. એફ પ્લસ માર્ક વાળું મીઠું કેમ ખાવું તે અંગેના સચોટ કારણો પણ ઉપસ્થિત સર્વેની સમક્ષ રજૂ કર્યો હતા. કલેકટર એસ.કે.લાંગાએ પ્રભાત ફેરીમાં સહભાગી થનાર વિધાર્થીઓઅને નગરજનોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે એફ.એસ.એસ. એ. આઇ. ના પ્રતિનિધિ શ્રી પિયુષભાઇએ મીઠુ, ખાંડ અને તેલ કેમ જીવનમાં વપરાશ ધટાડવો અને તે ધટાડવાથી શું ફાયદાઓ થાય છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. આ અંગેની જાગૃતિ આપતું પ્રેઝેન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીને ગાંધીનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.બી.બારૈયા, ફૂડ એન્ડ સેફટી અધિકારી સી.એસ. ગોહિલઅને ફૂડ એન્ડ સેફટીના નાયબ કમિશનર દિપકાબેન ચૌહાણએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. પ્રભારત ફેરીમાં એન.સી.સી.ના અને વિવિધ શાળાઓના વિધાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા. પ્રભાત ફેરી ઓડિટોરિયમ હોલના પ્રટાગણ માંથી ધ-૪ ધ-૫ થઇ આ જ માર્ગે ઓડિટોરિયમ હોલ ખાતે પરત ફરી હતી.
પબ્લિક મીટીંગમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, ગાંધીનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ર્ડા. રતનકુવર ગઢવીચારણ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.