સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીએ આજે રાજભવન ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિધિમાં ફાળો આપી ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર એસ. કે. લાંગા, રાજય સૈનિક કલ્યાણ અને પુનર્વસનતૃ બોર્ડના નિયામક મેજર વિક્રમસિંહ જાડેજા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયપાલે જણાવ્યું હતું કે, સશસ્ત્ર સેનાઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. યુધ્ધ કે શાંતિના સમયમાં રાષ્ટ્ર સમક્ષની આપદા કે વિપત્તિના સમયમાં તેઓ દેશ બાંધવોની પડખે રહી સમર્પિત ભાવનાથી સેવા અને સહાય માટે તત્પર રહે છે. આપણી સશસ્ત્ર સેનાઓએ રાષ્ટ્રપ્રેમ, નિઃસ્વાર્થ સેવા અને આપણી સીમાઓની સુરક્ષા માટે અપ્રતિમ સાહસ-શોર્ય સાથે શ્રેષ્ઠ કાર્યદક્ષતાના દર્શન કરાવ્યા છે.
ધ્વજદિન સશસ્ત્ર સેનાઓ પ્રત્યે આદર – સન્માન સાથે તેમનું ઋણ અદા કરવાનો આપણા સૌને માટે આ મૂલ્યવાન અવસર છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ આ વેળાએ વ્યકત કરી હતી. ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક જાડેજા સાથે એન.સી.સી. કેડેટસે આ ફાળો સ્વીકાર કર્યો હતો.