અઢી વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં નજીવી બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી આધેડની હત્યા કરનાર આરોપીની સામેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે હત્યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા અને રૂા.પ૦૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં રહેતા ધનજીભાઈ પોપટભાઈ રાઠોડ (ઉ.વ.પપ) નામના આધેડને આજ વિસ્તારમાં રહેતા રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતભાઈ મકવાણા નામના શખ્સે કોઈ સામાન્ય અને નજીવી બાબતે ઠપકો આપતા તેની દાઝ રાખી ઉશ્કેરાઈ જઈ રઘુવીર ઉર્ફે રઘુ મકવાણાએ ગત તા.૧૦-પ-ર૦૧પના રોજ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલ ધનજીભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
જે તે સમયે મરણ જનારના પુત્ર સંજયભાઈ રાઠોડે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રઘુવિર ઉર્ફે રઘુ ગુણવંતભાઈ મકવાણા વિરૂધ્ધમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ કુમારી કે.આર. પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વી.બી. રાણાની દલીલો, સાક્ષીઓ-૧૯, દસ્તાવેજી પુરાવા-૩૪ સહિતની બાબતો ધ્યાને લઈ આરોપી રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતભાઈ મકવાણા સામેનો હત્યાનો ગુનો સાબીત માની આરોપીને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.પ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.