સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર એફઆઈઆરના મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. તપાસ એજન્સીના ડાયરેક્ટર આલોક વર્માએ કોર્ટમાં નોટિસનો જવાબ રજૂ કર્યો. તેઓએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા બતાવ્યાં. સાથે જ કહ્યું કે અસ્થાના પર ઘણાં જ ગંભીર આરોપ છે. તેમની તપાસ થવી જોઈએ કે જેથી સીબીઆઈ પર વિશ્વાસ યથાવત રહે. વર્માએ કહ્યું કે- આરોપ અરજકર્તાની (અસ્થાના અને અન્ય) કલ્પનાઓ સિવાય કંઈ નથી. અસ્થાનાની અરજી સુનાવણી લાયક જ નથી. આ ખોટું છે. મામલાની તપાસ પ્રાથમિક તબક્કે છે. ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપ ઘણાં જ ગંભીર છે.
એવામાં તેની તપાસ કોઈ પણ પૂર્વગ્રહ વગર થવી જોઈએ કે જેથી દેશની ચર્ચિત તપાસ એજન્સી પર જનતાનો વિશ્વાસ બની રહે. વર્માએ કહ્યું કે અસ્થાના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં કોઈ પણ રીતે નિયમોને અવગણવામાં નતી આવ્યા. અસ્થાનાએ કોર્ટમાં કહ્યું હતું કે તેની વિરૂદ્ધ નિયમોને નેવે રાખીને એફઆઈઆર દાખલ કરવામાં આવી અને ડાયરેક્ટરે આ બધું તેની ધરપકડ માર્ટે કર્યું. અસ્થાનાએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાના વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરાવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કોર્ટમાં આ મામલે ચાર સુનાવણી થઈ ગઈ છે. હાઈકોર્ટે અસ્થાનાની ધરપકડ વિરૂદ્ધ રોક લગાવી છે.