શરાબ કારોબારી વિજય માલ્યાને એક પછી એક ફટકો પડી રહ્યો છે. આ વખતે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને મોટો ફટકો આપીને તેમની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી કાર્યવાહી માટેની અરજી ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. હાલમાં બ્રિટનમાં રહેતા વિજય માલ્યાએ પોતાના વકીલ મારફતે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ઇડીની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાની અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
હકીકતમાં ઇડીએ વિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી જાહેર કર્યો હતો અને તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માલ્યાએ આ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે માલ્યાને રાહત આપવાના બદલે ઇડીને નોટિસ જારી કરીને તેની પ્રક્રિયાને આગળ વધારવાનો આદેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુદી જુદી બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઇને વિજય માલ્યા દેશમાંથી ફરાર થઇ ગયા હતા. ભારત સરકાર તેમને લંડનમાંથી દેશ પરત લાવવાના પ્રયાસમાં લાગેલી છે. બ્રિટનના કઠોર પ્રત્યાર્પણ કાયદા હેઠળ લંડન કોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી હાલ ચાલી રહી છે. જ્યાં માલ્યાએ ભારતમાં જેલોની ખરાબ હાલતને લઇને વાંધો ઉઠાવ્યો હતો. પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસ કર્યા છે. જો કે, ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઈ સ્થિત આર્થર રોડ જેલનો વિડિયો મોકલ્યો હતો જેમાં ધ્યાન આપવામાં આવ્યા બાદ કોર્ટે જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. આજ કારણસર વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણનો ભય સતાવી રહ્યો છે. બીજી બાજુ ઓગસ્ટા હેલિકોપ્ટરમાં દલાલ ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવી ચુક્યો છે. આનાથી માલ્યાની દહેશત વધી ગઈ છે. આજ કારણસર તેને બુધવાર અને ગુરુવારના દિવસે સતત બે દિવસ સુધી નાણાં ચુકવી દેવાની તૈયારી દર્શાવી છે. જો કે, વિજય માલ્યા હજુ પણ વ્યાજની રકમ ચુકવવા માટે તૈયાર નથી. બેંકોની પુરી રકમ ચુકવવા માલ્યાએ તૈયારી દર્શાવી છે.
વિજય માલ્યાને લઇને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો રહ્યો હતો. ભાજપ સરકાર ઉપર કોંગ્રેસે વિજય માલ્યાને લઇને પ્રહારો કર્યા હતા. વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સીને બચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે વિજય માલ્યાએ બેંકની પૂર્ણ રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે ત્યારે રાહત મળવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. જો કે, વિજય માલ્યાને ભારતમાં લાવવા આડે હજુ પણ અનેક અડચણો રહેલી છે.