પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. આ એક્ઝિટ પોલના તારણમાં ધારણા પ્રમાણે જ ભાજપને નુકસાન અને કોંગ્રેસને સ્પષ્ટ ફાયદો દેખાઈ રહ્યો છે. એકબાજુ રાજસ્થાનમાં કોંગ્રેસની જીત સ્પષ્ટપણે દેખાઈ રહી છે જ્યારે તેલંગાણામાં ટીઆરએસની જીત દેખાઈ રહી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. જો એક્ઝિટ પોલના તારણે ૧૧મી ડિસેમ્બરના દિવસે સાચા સાબિત થશે તો કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા આત્મવિશ્વાસ વધારવા માટે ખુબ સારી તક મળી રહેશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગળાકાપ સ્પર્ધા દેખાઈ રહી છે જ્યારે રાજસ્થાનમાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહેલી પરંપરા અકબંધ રહી છે અને પાંચ વર્ષના ગાળા બાદ કોંગ્રેસ પાર્ટી એન્ટ્રી કરી રહી છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલના તારણો ચાવીરુપ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવી રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો આઠ એક્ઝિટ પોલના તારણ કોંગ્રેસને ૧૧૩ સીટ અને ભાજપને ૧૦૭ સીટ તેમજ અન્યોને ૧૦ સીટ આપી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટો છે અને બહુમતિ માટેની સંખ્યા ૧૧૬ રહેલી છે. ૨૦૧૩માં ભાજપે ૧૬૫ સીટો જીતી હતી અને કોંગ્રેસે ૫૮ સીટો જીતી હતો. ચાર સીટો બસપ અને ત્રણ સીટો અન્યોને મળી હતી.
આવી જ રીતે છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસની નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. આઠ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે જેમાં ભાજપને ૪૦, કોંગ્રેસને ૪૪ અને અન્યોને ૬ સીટો મળી રહી છે. છત્તીસગઢમાં વિધાનસભાની ૯૦ સીટો છે. બહુમતિનો આંકડો ૪૬ છે. ભાજપ ૨૦૧૩માં ૪૯ સીટ જીતી ગયું હતું જ્યારે કોંગ્રેસને ૩૯ સીટો મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. છ એક્ઝિટ પોલના તારણ પાર્ટી માટે સ્પષ્ટ જીત દર્શાવે છે. કોંગ્રેસ માટે ૧૧૫ અને ભાજપ માટે ૭૬ સીટ દર્શાવવામાં આવી રહી છે. અન્યોને ૮ સીટો મળી શકે છે. રાજસ્થાનમાં ૨૦૦ સીટો છે. રાજ્યમાં અડધી સીટોનો આંકડો ૧૦૦નો રહેલો છે. તેલંગાણામાં ચંદ્રશેખર રાવની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી મિઝોરમમાં એકમાત્ર ગઢ પણ ગુમાવવા જઇ રહી છે. ઉત્તરપૂર્વમાં આની સાથે જ તેના તમામ ગઢ હાથમાંથી નિકળી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ એમએનએફને ૧૬થી ૨૦ સીટો મળી રહી છે જ્યારે કોંગ્રેસને ૧૪-૧૮ સીટ મળી રહી છે. અગાઉ રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે બમ્પર મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચેય રાજ્યોમાં હવે મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરાશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર બનશે તે અંગેનો ફેંસલો હવે ૧૧ના દિવસે થશે. આજે રાજસ્થાનમાં ૭૨ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં ઉંચુ મતદાન નોંધાયું હતું જ્યારે તેલંગાણામાં પણ ૬૫ ટકાથી ઉંચુ મતદાન થયું હતું. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. જે ૧૧મી ડિસેમ્બરના દિવસે જ જાણી શકાશે.
અગાઉ આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તો લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઠંડીના કારણે ઓછા મતદારો પહોંચ્યા હતા. તેલંગણામાં સવારે સાત વાગ્યા અને રાજસ્થાનમાં સવારે આઠ વાગે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ. સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્ય લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. બંને રાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા.